શિકારી ખૂદ શિકાર બન્યો
- કાનભાએ પોતાના મિત્રને આપેલા રૂ.38 લાખ રોકડા કબ્જે કરાયા: યુવરાજસિંહ સાત દિ’ના રિમાન્ડ પર
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે 21 તારીખે યુવરાજસિંહની 9 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કર્યા બાદ આઈપીસી ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારબાદ શનિવારે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી કાનભા ગોહિલ પાસેથી રૂપિયા 38 લાખ રિકવર કર્યા છે.
ડમીકાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હવે ખુદ ડમીકાંડમાં ફસાયો છે. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ, તેના બે સાળા અને બિપીન ત્રિવેદી સહિત છ લોકો સામે ખંડણી અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે.યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર ન કરવા માટે પ્રકાશ દવે ઉર્ફે પી.કે. દવે પાસેથી 45 લાખ રૂપિયા અને પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા ધમકી આપી લીધા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે. હવે આ મામલે પોલીસે ડિલ થયા પ્રમાણે યુવરાજસિંહે સ્વીકારેલા નાણા તેના સાળા કાનભા આપ્યા હતા અને તે નાણા કાનભાએ તેના મિત્રના ઘરે બેગમાં રાખ્યા હતા. જેમાથી એસ.આઇ.ટીની ટીમે 38 લાખની રિકવરી કરી સરકારી પંચોને સાથે રાખી પંચનામુ કર્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે યુવરાજસિંહના સાળા કાનભાને સુરતથી ઝડપી ભાવનગર લાવી પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, યુવરાજસિંહની તા.5-4-2023ની કોન્ફરન્સમા ડમી ઉમેદવાર કાંડમાં પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. તથા પ્રદીપ બારૈયાનું નામ ન લેવા તેમની પાસેથી ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદી મારફતે 1 કરોડ રૂપિયાની માંગણી કરાઇ હતી. જેની ડીલ તેના ભાઇ શિવુભાની ઓફિસે તા.12-4-2023ના રોજ થઇ હતી. જે નાણા તેમણે લીધા હતા એ તેના મિત્ર જીત હીતેન્દ્રભાઇ માંડવીયા (રહે. રૂપાણી સર્કલ ભાવનગર)ના ઘરે મૂકવામાં આવ્યા હતા. જે જગ્યાએ તપાસ કરતા એક બેગમાંથી રૂપીયા 38 લાખ મળ્યા હતા.જે રિકવર કરવામા આવ્યા છે.