બચ્ચન પરિવાર બાદ ફરી અખિલેશ ઉપર એટેક ?
ડીજીઆઈની ટીમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે મળીને બિઝનેસમેનના ઘરે રેઇડ કરી 175 કરોડ રૂપિયાની રોકડ ઝડપી પાડી
અબતક, નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નૌજના પરફ્યુમના મોટા વેપારીઓમાંથી એક પીયૂષ જૈનના ઘરેથી આવકવેરા વિભાગને રોકડનો ખજાનો મળ્યો છે. ડીજીઆઈની ટીમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે મળીને બિઝનેસમેનના ઘરેથી 175 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તપાસ હજુ ચાલુ છે. કારણ કે આવકવેરા વિભાગને ઘણા દસ્તાવેજો મળ્યા છે. જે બાદ વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ટીમોએ પીયુષ જૈનના પુત્રો પ્રત્યુષ અને પ્રિયાંશ જૈનને કસ્ટડીમાં લીધા છે અને તેઓ કન્નૌજ ગયા છે, જ્યાં શુક્રવારે ઘરની તપાસ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર પીયૂષ જૈન ગુમ છે. આવકવેરા વિભાગનો દાવો છે કે યુપીમાં જીએસટીના દરોડામાં આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી છે અને શિખર પાન મસાલા ગ્રુપ પર દરોડા બાદ આ રકમ મળી આવી છે. તે જ સમયે, આવકવેરા વિભાગનો દાવો છે કે પીયૂષ જૈન વિશેની માહિતી ત્યાં દરોડા પછી મળી હતી અને તે પછી મામલાની તપાસ કરવામાં આવી હતી અને તેમાં 175 કરોડની રોકડ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ જીએસટી ઈન્ટેલિજન્સ વિંગની પિયુષ જૈનના ઘરે કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી.
પીયૂષની શોધમાં ટીમો દરોડા પાડી રહી છે પરંતુ કાનપુર, કન્નૌજ અને મુંબઈમાં તેનું લોકેશન મળ્યું નથી. જ્યારે બંને પુત્રો પ્રત્યુષ અને પ્રિયાંશ જૈનને કાનપુરના આનંદપુરીમાં જૈનના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે આવકવેરા વિભાગ દ્વારા બંને પુત્રોને કન્નૌજ સ્થિત ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં રોકડ, સંપત્તિ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.
રકમ લઈ જવા આઇટીને કન્ટેનર મંગાવવું પડ્યું!!
માહિતી અનુસાર, આવકવેરા વિભાગે ત્યાંથી વસૂલ કરાયેલા નાણાંને 80 બોક્સ દ્વારા મોકલ્યા હતા અને આનંદપુરીના આવાસમાંથી મળી આવેલી નોટોની ગણતરી માટે સ્ટેટ બેંકની ટ્રાન્સપોર્ટ નગર અને માલરોડ શાખામાંથી 13 મશીનો મંગાવવામાં આવ્યા હતા. આ રકમ ભરવા માટે 80 બોક્સને ઓર્ડર આપવામાં આવ્યો છે, જ્યારે એક કન્ટેનરમાં આ રકમ પોલીસ અને પીએસીની કડક સુરક્ષા હેઠળ સ્ટેટ બેંકની મોલ રોડ શાખામાં મોકલવામાં આવી હતી.
અખિલેશનું સમાજવાદી અત્તર પિયુષ જૈનની કંપની બનાવતી હતી
પિયુષ જૈને એક મહિના અગાઉ સમાજવાદી અત્તરની લોન્ચિંગ લખનઉમાં કરી હતી. આ લોન્ચિંગ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હસ્તક થઈ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 22 ફુલોથી અત્તર બનાવવામાં આવ્યું હતું. એટલે એવા પ્રશ્ન પણ સર્જાયા છે કે અખિલેશને લીધે પિયુષ જૈન આઇટીની રડારમાં આવી ગયા છે.
બોગસ ઇનવોઇસનો આખો ભાંડો અમદાવાદથી ફૂટ્યો!!
સોપારી અને સુગંધી પાન માસાલાના કાનપુરના વેપારી પિયુષ જૈનને ત્યાં દરોડો પાડતા રૂા. 175 કરોડની રોકડ જપ્ત થઈ હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના ચેરમેન વિવેક જોહરીએ જણાવ્યું કે સીબીઆઈસીના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે. બોગસ ઈન્વોઈસનો આખો ભાંડો અમદાવાદમાં સોપારી ભરેલી ટ્રકો રોકતા ફૂટયો હતો. થોડા દિવસ પૂર્વે અમદાવાદ શહેરમાં પ્રવેશતી કેટલીક ટ્રકોને અટકાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એવી ખબર પડી કે બોગસ ઈન્વોઈસ બનાવીને સુગંધી સોપારી, ગુટકા બનાવવા માટેની સામગ્રી કાનપુરથી મોકલવામાં આવી હતી.