દરેક પર્વની એક સાથે મળી ઉજવણી કરતા શહેરીજનોનું રાજકોટ ખરા અર્થમાં રંગીલા રાજકોટ તરીકે પ્રસ્થાપિત બન્યું છે: મિરાણી
શ્રાવણ મહિનાના કૃષ્ણ વદ આઠમના દિવસે વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ-વિદેશમાં ધામધુમથી મનાવવામાં આવે છે ત્યારે રાજકોટ શહેરીજનોને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી અને કિશોર રાઠોડે જણાવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરીત થયા હતા. તેમણે પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના ઉદેશને પરીપુર્ણ કરવા માટે સામ, દામ, દંડ, ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે.
ભાજપ આગેવાનોએ વધુમાં જણાવતા કહ્યું કે, શહેરોના મંદિરો, હવેલીઓમાં આજે પણ રાત્રે ૧૨ વાગ્યે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, જય રણછોડ, જય માખણચોરના નાદ સાથે કૃષ્ણજન્મને વધાવવા બાળકો, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળે છે ત્યારે આ પર્વને રાજકોટમાં પણ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાય છે. જગપ્રસિઘ્ધ લોકમેળો જેને આ વર્ષે ગોરસ લોકમેળો નામ અપાયું છે. તેમજ ઘણા વર્ષોથી યોજાતી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી નયનરમ્ય ફલોટોસભર રથયાત્રાથી રંગીલા રાજકોટમાં સાતમ-આઠમના પર્વમાં એક અનેરો માહોલ સર્જાય છે.
આ સાતમ-આઠમના તહેવારો શહેરીજનોને સપરિવાર આનંદ-ઉલ્લાસથી ઉજવવા અને મન મુકીને માણશે. તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અથાક પ્રયાસોથી નર્મદાના નીરથી આજી તરબતર છે ત્યારે શહેરીજનોને સાતમ-આઠમનો અનેરો ઉત્સાહ જોવા મળશે અને રાજકોટના શહેરીજનો પ્રત્યેક તહેવારને સાથે મળીને ઉજવણી કરતા હોય છે ત્યારે રાજકોટ ખરાઅર્થમાં રંગીલા રાજકોટ તરીકે પ્રસ્થાપિત બન્યું છે તેમ કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી અને કિશોર રાઠોડે જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા અંતમાં જણાવ્યું હતું.