પ્રેમ સંબંધ બાંધી રૂ.4.50 લાખ પડાવ્યા: વધુ પૈસાની માંગણી ઊભી કરી માર માર્યો
ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી લગ્નની લાલચે બે વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ
–
અબતક,રાજકોટ
સોશિયલ મીડીયાનાં માધ્યમથી ફેક આઇડી બનાવી પોતાની ખોટી ઓળખ ઊભી કરી અને યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર કામાંધની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે. કામાંધે બળાત્કાર ગુજારી અને રૂ.4.50 લાખ પડાવી મારમાર્યાનું પણ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતુ.
સોશિયલ મીડીયાના માધ્યમથી યુવતીને ફસાવી બળાત્કારનાં અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં રહેતી યુવતીને રાજકોટમાં મોરબી રોડ પર રહેતા દુર્ગેશ અશોક રાઠોડ (ઉ.વ.26) નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર મનદીપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા નામે ફેક આઇડી બનાવી યુવતી સાથે પરીચયમાં આવી અને ખોટી ઓળખ આપી બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતુ અને યુવતીને મારમારી રૂ.4.60 લાખ પડાવ્યા હતા. સમગ્ર મામલો ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચતા ક્રાઇમ બ્રાન્ચનાં પી.આઇ. જે.વી. ધોળા અને પી.એસ.આઇ. બી.જે. કડછાએ યુવતીને હિંમત આપી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે કોરોનામાં તેના માતા-પિતાનું અવસાન થતા તે એકલી રહેતી હતી અને કામકાજ કરી ગુજરાન ચલાવતી હતી. યુવતી ને ઇન્સ્ટાગ્રામ મારફત આરોપી દુર્ગેશ રાઠોડ ફેક આઇડી મનદીપસિંહ જાડેજા નામે ઓળખમાં આવ્યો હતો. બાદ સોશિયલ મીડીયામાં યુવતીને પ્રેમ થતા બંને મળ્યા હતા ત્યારે આરોપી દુર્ગેશે તેના પર દુષ્કર્મ આચર્યું હતું એવી જ રીતે બે વર્ષ સુધી યુવતીને અંધારામાં રાખી ખોટી ઓળખ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતી પાસેથી રૂ.4.60 લાખ પડાવ્યા હતા બાદ 15 હજાર માંગતા યુવતીએ ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ તેને માર માર્યો હતો. નરાધમની ઓળખ છતી થતા તે યુવતી પર ત્રાસ ગુજારતો હતો અને અવારનવાર મારપીટ કરતો હતો. જેથી પીડીત યુવતી ક્રાઇમ બ્રાન્ચે જતાં પોલીસે તેને હિંમત આપતા તેને ફરિયાદ નોંધાવી હતી. જેથી ફરિયાદ પરથી પોલીસે નરાધમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.