સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરીમાં માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવે છે શ્વેતા પટેલ
ખેડૂત પરીવારમાં જન્મેલી શ્વેતા પટેલે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામમાંથી જ લીધુ જયારે વિજ્ઞાન પ્રવાહ સાથે સ્નાતક ઇડરથી કર્યું પરંતુ જેનું નિર્માણ લેખન કૌશલ્ય માટે જ થયું હોય એ જ સ્વાભાવિક રીતે પત્રકારત્વ સાથે નાતો બંધાય તેમ શ્વેતા પટેલે ગુજરાત વિધાપીઠમાંથી પત્રકારત્વમાં પણ અવલ્લ નંબરે ઉતીર્ણ થઇ, બસ ત્યારથી સફર શરૂ થઇ આ લેખનની, માંડ 24ની ઉમરે પંહોચેલી શ્વેતા પટેલ સંશોધન કરી લેખન કરે અને તેની નોંધ છેક દિલ્હી સુધી લેવાય એ સાવ નાની સૂની વાત ન કહેવાય.
આ અંગે વાત કરતા યુવા લેખિકા શ્વેતા પટેલ કહે છે કે, સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો. જે અંતર્ગત ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નેશનલ બુક ટ્રસ્ટ અંતર્ગત પી એમ યુવા મેન્ટોર સ્કીમ અમલમાં મુકી જેમાં વણખેળાયેલા ઇતિહાસને ઉજાગર કરવા સમગ્ર ભારતમાંથી 75 પી. એમ યુવા લેખકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પત્રકારત્વના અભ્યાસકાળ વર્ષ-2021દરમિયાન જ ગુજરાતમાંથી યુવા લેખિકા તરીકે મારી પસંદગી કરાઈ હતી.
લગભગ એક વર્ષના સંશોધન બાદ સાબરકાંઠામાં આઝાદીની ચળવળમાં આદિવાસી ક્રાંતકારીઓની ભૂમિકાનું ચિત્રનું આબેહૂબ નિરૂપણ કરતું ” ગોઝારો ઢેખાળીયો કૂવો- દઢવાવ”પુસ્તક સ્વરૂપે આકાર પામ્યું. જેનું નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા વિશ્વ પુસ્તક મેળો, પ્રગતિ મેદાન ન્યુ દિલ્લી ખાતે કેન્દ્રીય શિક્ષા રાજ્યમંત્રીશ્રી રાજકુમાર રંજનની ઉપસ્થિતમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
યુવા લેખિત શ્વેતા પટેલે ઇન્ટરનેશનલ કોર્નર ન્યુ દિલ્લી ખાતે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આપણે થોડા દિવસ પહેલા જ 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી. હું મારી માતૃભાષા ભાષામાં વાત કરવાનું પસંદ કરીશ. કારણ કે જો હું મારી માતૃભાષા નહીં બોલું તો બીજું કોણ બોલશે. મને મારી માતૃભાષા ઉપર ગર્વ છે.દરેક નાગરિકને પોતાની માતૃભાષાનો ગર્વ હોવો જોઈએ.ગુજરાતના યુવા લેખિકાના પ્રભાવશાળી વક્તવ્યથી ફ્રાન્સના મહેમાનો સહીત સૌ કોઈ ખુબ પ્રભાવિત થયાં હતા.પ્રગતિ મેદાનમાં જય જય ગરવી ગુજરાતની સાથે ભારત માતા કી જયના નાદ ગુંજ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિવિધક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર અને બહુમખી પ્રતિભા ધરાવતા શ્વેતા પટેલ હાલ સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ તરીકે કાર્યરત છે.