ગત વર્ષે નકુલનાથે આઇટી રિર્ટનમાં પોતાની આવક ૪.૧૮ કરોડ દર્શાવી’તી
મધ્યપ્રદેશ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલે ગઈકાલે છીંદવારા લોકસભા બેઠક પરથી ભરેલા ઉમેદવારી પત્ર ફોર્મમાં પોતાની સ્થાવર અને જંગમ મિલકતનો આંકડો રૂ.૬૬૦ કરોડ દર્શાવ્યો હતો. ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવામાં આવેલી સંપત્તિની વિગતોમાં પિતા મુખ્યમંત્રી કમલનાથની સત્તાવાર રીતે દર્શાવાતી ૧૨૪ કરોડની સંપત્તિ કરતા નકુલ બાપ કરતો સવાયો નહીં પણ પાંચ ગણો ચડિયાતો હોય તેમ પોતે જ વ્યક્તિગત સંપત્તિ ૬૬૦ કરોડ દર્શાવી હતી.
નકુલનાથ ઉદ્યોગપતિમાંથી રાજકારણી બન્યા છે. નકુલનાથે પોતાની સંપત્તિ ૬૧૫.૩ કરોડ અને પત્ની પ્રિયાની ૨.૩૦ કરોડની સંપત્તિ જાહેર કરી છે. પત્ની પાસે કોઈ સ્થાવર મિલક્ત ન હોવાનું જણાવ્યું છે. નકુલની આ સંપત્તિ પોતાના નામે સંયુકત રીતે અને કેટલીક મિલકતો પરિવાર તરફથી કંપનીઓ અને ટ્રસ્ટના રૂપમાં દર્શાવાયા છે. ધનકુબેર જેવા નકુલ અને પ્રિયા નાથ પાસે પોતાનું કહી શકાય તેવું વાહન નથી. નકુલના ખજાનામાં ૮૯૬ ગ્રામ સોનાની લગડીઓ, ૭૬૩૦ કિલો ચાંદી, ૧૪૭.૫૮ કેરેટ હિરા અને માણેકના જવેરાત જેની કિંમત ૭૮.૪૫ લાખ થવા જાય છે. પતિ પાસે ૨૭૦ ગ્રામ સોનુ, ૧૬૧.૮૪ કેરેટ હિરા-જવેરાતની કિંમત ૫૭.૬૨ લાખ આકવામાં આવી છે. નકુલનાથે ગયા વર્ષના આઈટી રીટર્નમાં પોતાની આવક ૨.૭૯ કરોડ અને પત્નીની ૪.૧૮ કરોડ આવક બતાવી છે. તેણે દુબઈ સારજાહ, સ્પેન, એરપ્રાઈવેટ લીમીટેડ અને વિવેક બેન્કના ખાતામાં રોકાણ હોવાનું જણાવ્યું છે.
નકુલે પોતાના ભાઈ સાથે છીંદવાડામાં ૭.૮૨ એકર ખેતીની જમીન હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે. ચૂંટણીપંચ સમક્ષ નકુલના પાંચ સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં તેની વેબસાઈટ, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, ગુગલ, બ્લોગરના વપરાશની જાહેરાત કરી છે. કમલનાથના પુત્ર નકુલનાથ છીંદવારા મત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય આદિવાસી નેતા નાથન શાહ સામે ચૂંટણી લડી રહ્યાં છે. કમલનાથના પુત્ર અમેરિકાની મેસેજશ્યુસેટ બોસ્ટન યુનિવર્સિટી અમેરિકામાં બિજનેશ એન્ડ એડમિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. બાપથી બેટો સવાયો હોય છે પરંતુ મુખ્યમંત્રી કમલનાથના પુત્રએ પોતાની સંપત્તિની જાહેરાતમાં બાપથી પાંચ ગણુ વિરાટ કદ હોવાનું જાહેર કર્યું છે.