સૌરાષ્ટ્રનાં જળસંકટનો કાયમી ઉકેલ આવે તેવી સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના પ્રમુખ સમીર શાહની માંગ

હાલમાં વિશ્ર્વની એક અતિ પ્રતિષ્ઠીત સંસ્થા દ્વારા વિશ્વમાં રહેલ ભુગર્ભ જળના જથ્થા તથા તેના વપરાશ અંગે વિગતે એક રીપોર્ટ બહાર પાડવામાં આવેલ છે. જેના થકી એ વસ્તુ પ્રસ્થાપિત થાય છે કે જો આ વિષયે વિશ્વકક્ષાએ જરૂરી સાવચેતી નહીં રખાય તો આગામી દિવસો ખુબ જ ગંભીર રહેશે. આ રીપોર્ટ પ્રમાણે સમગ્ર વિશ્વનું ૨૪ ટકા ભુગર્ભ જળ ફકત ભારત દ્વારા જ ઉલેચવામાં આવે છે. આપણે તેવો દેશ છીએ કે જયાં આ અનામત જથ્થાનો અવ્યવહારુ અને અક્ષમ્ય ઉપયોગ થાય છે.

સૌરાષ્ટ્ર હરહંમેશ વરસાદની અનિયમીતતા તથા ઓછપથી અસરકર્તા રહે છે. આ અછત પુરી કરવાના પ્રયત્નો થયા હોય તેમ છતાં તે પુરતા ન હોય તેવું જણાય છે. હજુ શિયાળો બરોબર પુરો નથી થયો ત્યાં જ શહેરોમાં ટેન્કરો દ્વારા પાણી વેચવાના વ્યવસાયો વધી ગયેલ છે. આ લોકો ભુગર્ભ જળનો જ બેરોકટોક ઉપયોગ કરતા હોય તે સ્વાભાવિક છે. વરસાદની આ હાલતથી જમીનની ગુણવતા ખરાબ થતી જાય છે તે સ્વાભાવિક છે.

આ માટે કાયમી ઉકેલ કરવો અત્યંત જ‚રી છે અને તેને માટે સૌથી ઉતમ વિકલ્પ તરીકે કલ્પસર યોજના છે પરંતુ કમનસીબે કોઈપણ કારણોસર તેના પર કંઈ કામ થતુ નથી. આ વિષયે મુખ્યમંત્રીને વારંવાર રજુઆત કરેલ છે તેમ છતાં તેના વિષયે કંઈ પ્રગતી થતી નથી તે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુબ જ નિરાશાજનક છે.કલ્પસર યોજનાને નેશનલ પ્રોજેકટ જાહેર કરીને ત્વરાથી આ યોજના પુરી થાય તેવી સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.