આજી ડેમ ચોકડી પાસે દિન દયાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.6માં ફૂડ લાયસન્સ વિના ધમધમતા
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગના ચેકીંગ દરમિયાન મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો: પલાળેલા ચણામાં ફૂગ વળી ગઇ હતી અને જીવાંત ખદબદતી હતી
શહેરમાં વેંચાતી એકપણ વસ્તુ આરોગ્ય માટે સલામત ન હોય તેવી ઘટનાઓ પ્રતિદિન સામે આવી રહી છે. ચોક્કસ બાતમીના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના આજી ડેમ ચોકડી પાસે આવેલા દિન દયાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.6માં ફૂડ લાયસન્સ વિના ધમધમતા બે કારખાનાઓમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ફૂગ વળી ગયેલા અને જીવાંતથી ખદબદતા 5,500 કિલો ચનાજોર ગરમ, દાબેલા મગ અને પંજાબી સ્ટીકનો નાશ કરવામાં આવ્યો હતો. સેમ્પલ પણ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.વંકાણીએ જણાવ્યું હતું કે આજે આજી ડેમ ચોકડી પાસે દિન દયાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં.6માં કલ્પેશભાઇ બડોખરીયા અને જીતેન્દ્ર ગુપ્તાની ઉત્પાદન પેઢી કલ્પેશ ટ્રેડર્સ/જે.કે.સેલ્સમાં તપાસ કરવામાં આવી હતી. પેઢીમાં દાબેલા ચણા, મગ અને કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેંચાણ કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા પલાળેલા ચણામાં ફૂગ વળી ગઇ હતી અને જીવાત પણ પડી હતી. ચણાનો જથ્થો અનહાઇજેનીંગ રીતે જમીન પર રાખવામાં આવ્યો હતો. ચણાજોર બનાવવા માટે શંખજીરૂનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પેઢીના ઉત્પાદકો દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું. જ્યારે ચણા તડવા માટે દાઝીયા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આવી અખાદ્ય સામગ્રી બજારમાં ન વેંચાઇ તે માટે 2500 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ફૂડ વિભાગની ટીમ બાજુમાં આવેલા અજયભાઇ છેદીલાલ ગુપ્તાના આશા ફૂડ નામના કારખાનામાં ત્રાટકી હતી. અહિં પણ દાબેલા ચણા, મગ અને કઠોળનું ઉત્પાદન કરી તેની વેંચાણ કરવામાં આવતુ હતું. પલાળેલા ચણા, દાબેલા મગ અને પંજાબી સ્ટીક અનહાઇજેનીંક રીતે જમીન પર પાથરેલા જોવા મળ્યા હતા. જેના પર કારખાનામાં કામ કરતા માણસો બૂટ-ચપ્પલ પહેરીને અવર-જવર કરી રહ્યા હતા. માલ બનાવવા માટે શંખજીરૂ અને દાઝીયા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલૂમ પડતા 3000 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. બંને કારખાનાઓમાંથી સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.