સૌરાષ્ટ્ર બાદ ઉતર ગુજરાત અને હવે મધ્ય-પૂર્વ ગુજરાતમાં મેઘરાજા વિનાશ વેરી રહ્યા છે. આજે સવારથી બપોર સુધીમાં ૪ કલાકમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં અનરાધાર ૧૦ ઈંચ અને મહેસાણાના કડીમાં ૮ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. અમદાવાદમાં પણ મધરાતથી એકધારો વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલથી આજ બપોર સુધીમાં ૮ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજયમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.કડી અને કલોલ ઉપરાંત ધરમપુરમાં ૭ ઈંચ, બેચરાજીમાં ૬ ઈંચ, પાટણમાં ૪॥ઈંચ, ચિખલી, ગાંધીનગર, વલસાડ, ખેરગામ અને સરસ્વતી તાલુકામાં ૪-૪ ઈંચ વરસાદ ખાબકયો છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ ઉતર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ રાજયમાં વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ સાંજે સમીક્ષા બેઠક બોલાવી છે.
ઉતર ગુજરાતમાં સતત વરસાદ: ધનસુરામાં ૮ ઈંચ
ઉતર ગુજરાતમાં પણ સતત વરસાદ ચાલુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાને તહશ નહશ કરી નાખ્યા બાદ મેઘરાજાને સંતોષ થયો ન હોય તેમ ઉતર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હજી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં દરમિયાન ઉતર ગુજરાતમાં ધનસુરામાં ૮ ઈંચ, દેહગામમાં ૫॥ઈંચ, ગાંધીનગર અને કલોલમાં ૫ ઈંચ, બાયડ, તલોદ, મોડાસામાં ૪ ઈંચ, દાતામાં ૩ ઈંચ, સિઘ્ધપુર, પાલનપુર, અમીરગઢ, ઈડર, હિંમતનગર, માલપુર, મેઘરજમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉતર ગુજરાતમાં ૧ થી લઈ ૮ ઈંચ સુધી વરસાદ વરસી જતા ફરી રાહત અને બચાવ કાર્ય પર અસર પડી છે.