દેવાધિદેવ મહાદેવને ઘણાં નામોથી ઓળખવામાં આવે છે.તેમાં શિવનું એક નામ મહાકાલ પણ છે.મહાકાલ ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા
સમગ્ર વિશ્વમાં મહાકાલ એ એકમાત્ર એવાં દેવ મનાય છે કે જે અદભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપોમાં ભક્તોને દર્શન દે છે. એક’ મહાકાલના અનેક’ સ્વરૂપમાં દર્શન પ્રાપ્ત કરવા જ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે.ભારત ભૂમિના મધ્ય ભાગમાં આવેલું મધ્યપ્રદેશ ભારતનું હૃદયસ્થાન મનાય છે. તો, આ જ મધ્યપ્રદેશના હૃદય તરીકે પ્રસિદ્ધ છે શિવનગરી ઉજ્જૈન. ઉજ્જૈન એટલે તો એ નગરી કે જ્યાં સદાકાળ દેવાધિદેવનો નિવાસ મનાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ નગરી એ આકાશ અને ધરતી બંન્નેના કેન્દ્રબિંદુ પર સ્થિત છે. ઉજ્જૈની શબ્દનો અર્થ થાય છે, ઉત્કર્ષ સાથે જયઘોષ કરનારી નગરી. અને તેના નામની જેમ જ અહીં સતત થતો રહે છે મહાકાલનો જયઘોષ.
ભારતના પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને મહાકાલના દર્શનનો મહિમા છે. ઉજ્જૈનમાં પાવની ક્ષિપ્રા નદીને કિનારે દેવાધિદેવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. શાસ્ત્રોમાં આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે,આકાશે તારકં લિંગમ્, પાતાલે હાટકેશ્વરમ્, ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે.. એટલે કે,આકાશ, પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના ત્રણ શિવલિંગોમાં મહાકાલની ગણના ભૂલોકના સ્વામી તરીકે થઈ છે. ઉજ્જૈનમાં તો મહાકાલ જ સર્વેસર્વા મનાય છે. અને એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકાનાથ તરીકે પૂજાય છે.
મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ એ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણાભિમુખ છે.
અને એટલે જ અહીં બિરાજમાન દેવાધિદેવ દક્ષિણામૂર્તિ તરીકે પણ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વમાં મહાકાલ એ એકમાત્ર એવાં દેવ મનાય છે કે જે અદભુત શણગાર સાથે વિવિધ સ્વરૂપોમાં ભક્તોને દર્શન દે છે. એક મહાકાલના અનેક સ્વરૂપમાં દર્શન પ્રાપ્ત કરવા જ ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે.