- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે મરણચીસોથી ગુંજી ઉઠ્યો : અર્ટિગા કાર ટેન્કરમાં ઘુસી જતાં 10 લોકોના કરુણ મોત
રાજ્યમાં બુધવાર કાળમુખો સાબિત થયો છે. અલગ અલગ કુલ પાંચ અકસ્માતમાં કુલ 15 લોકો કાળનો કોળિયો બન્યા છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અર્ટિગા કાર ટેન્કર પાછળ ઘુસી જતાં 10 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જયારે દ્વારકા-પોરબંદર હાઇવે પર શાળાના શિક્ષક અને આચાર્યનું મોત નીપજ્યું હતું. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ધ્રાંગધ્રામાં અલગ અલગ બે અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે જયારે વાંકાનેરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે રામનવમીના દિવસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ દ્વારા 9 મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, એકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ,ડીસા, મુંબઈ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચવા લાગતા હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાયો હતો.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અર્ટિગા કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી. ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ જેમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનાં પણ મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતાં ખેડા જિલ્લા પોલીસવડા અને કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે ટેન્કરમાં ખામી સર્જાઈ હોવાના કારણે રસ્તાની સાઈડમાં ઊભું હતું. ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી અર્ટિગા કાર લેફ્ટ સાઈડમાંથી ઓવરટેક કરવા જતા પાછળથી ટેન્કરમાં અથડાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળ પર મોત થયાં છે, જ્યારે બે લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. ટેન્કર પુણેથી જમ્મુ જઈ રહ્યું હતું.
આ 9 મૃતકની ઓળખ થઈ છે જેમાં યોગેશભાઈ નરેન્દ્રભાઈ પંચાલ(અમદાવાદ), સુરેન્દ્રસિંહ રાવત, (રાજસ્થાન-ડ્રાઈવર), નીલકુમાર મુકેશકુમાર ભોજાણી(વડોદરા), (જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી(વડોદરા), સોલંકી અમિત મનોજ (વાપી), શાહબુદ્દીન અબ્દુલશકર અંસારી(મુંબઈ), હૈતિક સોની(ડીસા), દક્ષ અમિત ભાઇ સોલંકી(વાપી), ઉષાબેન અમિત ભાઈ સોલંકી (વાપી) મુજબ થઇ છે. 10 લોકોના મોત નિપજ્યા બાદ નડિયાદ સિવિલ ખાતે તમામ મૃતદેહો ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જે મૃતકોની ઓળખ થઈ ચૂકી છે તેઓના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ બે અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ અકસ્માત વઢવાણ ખાતે બનવા પામ્યો છે જેમાં એક વ્યક્તિ કાળનો કોળિયો બન્યો હોય તે પ્રકારનો અહેવાલ સામે આવ્યો છે જયારે બીજો બનાવ ધ્રાંગધ્રા ખાતે બનવા પામ્યો છે જેમાં પણ વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવતા અલગ અલગ પંચ અકસ્માતમાં કુલ 15 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ડિવાઇડરની કટમાંથી રોંગ સાઈડમાં આવતા ડમ્પરે બાઈક સવાર બે યુવકને હડફેટે લેતા એકનું મોત
અબતક, ઋષિ મહેતા, મોરબી
મોરબી નેશનલ હાઇવે ઉપર ડિવાઇડરની કટમાંથી ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર રોંગ સાઈડમાં ચલાવતા સામેથી આવતું બાઈક ડમ્પર સાથે અથડાતા બાઈક સવાર બંને યુવક ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બાઈકની પાછળ બેઠેલ યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. અકસ્માત થતાની સાથે ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢુ મૂકીને નાસી ગયો હતો.
ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ બાબતે બાઈક ચાલક યુવક દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર મોરબી સબજેલ સામે આવેલ વાલ્મીકિ વાસ શેરી નં 7 માં રહેતા પૃથ્વી રાજેશભાઇ હીરાભાઇ પરમાર ઉવ.18 એ ડમ્પર નંબર જીજે-12-બીએક્સ-5944ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ આરોપી ડમ્પરના ચાલકે પોતાનું વાહન ફુલસ્પીડમાં ચલાવી એકદમ ડીવાઇડરની કટમાંથી રોંગ સાઇડમાં લેતા સામેથી પોતાની લેનમાં આવતા પૃથ્વીભાઈનું બાઈક હીરોસ્પલેન્ડર નંબર જીજે-36-એએ-7299 વાળુ ડમ્પરના પાછળના વ્હીલ પાસે અથડાતા પૃથ્વીભાઈને ડાબા ખભામાં ગંભીર ઇજા તથા શરીરે છોલછાલ જેવી સામાન્ય ઇજા પહોંચી હતી. જયારે બાઈક પાછળ બેસેલ રોહીત વિપુલભાઇ ઝાલાને માથામાં, પગમાં તથા શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
પોરબંદર-દ્વારકા હાઇવે પર બાઈક-કાર વચ્ચેના અકસ્માતમાં દાનેવ શાળાના શિક્ષક-આચાર્યનું મોત
અબતક, વિનાયક ભટ્ટ, દ્વારકા
પોરબંદર દ્વારકા નેશનલ હાઇવે પર લાંબા બાયપાસની ગોળાઈ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇકમાં સવાર લાંબા ગામની દાનેવ શાળાના શિક્ષક અને આચાર્યનું મોત થયું હતું. કલ્યાણપુર નજીક આવેલા લાંબા ગામની દાનેવ શાળાના ગણિત વિષયના શિક્ષક અને મૂળ ભાવનગર ખાતે રહેતા ભરતભાઈ વજસુરભાઈ બંધીયા (ઉ.વ. 32) અને આ જ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવત અને ખંભાળિયાના હરસિધ્ધિનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મગનભાઈ આરંભડીયા મોટરસાયકલ લઈને વિસાવડા રામદેવપીરના મંડપ મહોત્સવમાંથી લાંબા ગામે પરત ફરી રહ્યા હત ત્યારે લાંબા બાયપાસની ગોળાઈ નજીક એક મોટરકારના ચાલકે ઠોકર મારતા બંને યુવાનો મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા ભરતભાઈ બંધીયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તેમજ રાજેશભાઈ આરંભડીયાને પણ ગંભીર ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.મૃતક રાજુભાઈ આરંભડીયા પરિવારમાં બે સંતાન છે જેમાં તેમનો પુત્ર બારમાં ધોરણમાં તથા નાની પુત્રી આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તેમજ ભરતભાઈ બંધીયા આશરે વીસેક દિવસ પૂર્વે જ એક પુત્રના પિતા બન્યા હતા.બંને શિક્ષકોના મોતને લઈને પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.