શંકરસિંહ વાઘેલાએ સ્ક્રીનીંગ પહેલા ફિલ્મ રીલીઝ કરવા સામે આપી હિંસક આંદોલનની ચિમકી
સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતી ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે આ વિરોધને રાજકીય મુદ્દો બનાવવાની ગોઠવણ પણ પક્ષોએ કરી છે.
પદ્માવતી ફિલ્મના વિરોધને રાજકીય ફાયદામાં કેવી રીતે પલટવો તેની તૈયારી તમામ પક્ષોએ કરી દીધી છે.
પદ્માવતી ફિલ્મ આગામી તા.૧ ડિસેમ્બરે રજૂ થવાની છે તે પહેલા તા.૯ અને ૧૪ ડીસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન છે. તે પહેલા પદ્માવતીનો વિરોધ રાજકીય સ્વરૂપ ધારણ કરી લે તેવી શકયતા છે. કરણી સેના સહિતના રાજપૂત સંગઠનોએ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા થયા હોવાની આશંકા સાથે વિરોધ થઈ રહ્યો છે. સંજય લીલા ભણસાલીની અગાઉની ફિલ્મ રામલીલા સમયે પણ આ પ્રકારે વિરોધ થયો હતો. અલબત ત્યારે સમાધાન બાદ ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું. જો કે આ વખતે પરિસ્થિતિ થોડીક અલગ છે. હાલ પદ્માવતી ફિલ્મના નામે રાજકીય રોટલા શેકવાની તૈયારીઓ થઈ રહી છે. રાજકારણમાં વેંતરાઈ ચૂંકેલા સ્થાનિક આગેવાનો આ ફિલ્મના વિરોધના માધ્યમથી ફરીથી પ્રસ્થાપિત થવાની મહત્ત્વકાંક્ષા રાખતા હોય તેવું જણાય રહ્યું છે.
પદ્માવતી ફિલ્મમાં સંજય લીલા ભણસાલીએ ઈતિહાસ સાથે ચેડા કર્યા હોવાનું કહેવાય છે. તાજેતરમાં જ જન વિકલ્પ પાર્ટીના શંકરસિંહે આ ફિલ્મનું હિન્દુ અને ક્ષત્રીય નેતાઓ માટે પ્રિ-રીલીઝ સ્ક્રીનીંગ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. પ્રિ-રીલીઝ સ્ક્રીનીંગના માધ્યમથી ફિલ્મની આસપાસ ફરતી અફવાઓનો ખ્યાલ આવી શકે તેમ છે. જો કે આ બાબતે આગળ જતા વધુ સમાધાન થાય તેવી શકયતા છે.
શંકરસિંહે ચિમકી આપી હતી કે, જો ફિલ્મ પ્રિ-સ્ક્રીનીંગ વગર જ રીલીઝ થશે તો ગુજરાતમાં હિંસક આંદોલન થશે. પરિસ્થિતિ કાબુ બહાર પણ જઈ શકે છે. તાજેતરમાં વિરોધ પ્રદર્શન કરતા સંગઠનોએ અભિનેતા રણવીરસિંઘનું પુતળુ બાળ્યું હતું. રાજપૂત સભા અને જય રાજપૂતાના સંઘ દ્વારા ભણસાલીને ચેતવણી પણ આપવામાં આવી છે.શંકરસિંહ વાઘેલા ક્ષત્રીય અને ઓબીસી સમાજમાં ખાસી નામના ધરાવે છે. પદ્માવતી ફિલ્મને લઈ તેમની ચિમકી બાદ હવે અન્ય પક્ષો પણ ફિલ્મ મામલે વિરોધ કરવાની તૈયારીમાં છે.
સ્થાનિક કાર્યકરો તો ઘણા સમયથી પોતાનું સ્થાન ઉંચે કરવા માટે વિરોધમાં પોતાનો લાભ જોઈ રહી છે. ચૂંટણી નજીક આવતા હવે ફિલ્મ પદ્માવતી રાજકીય મુદ્દો બની જવા પામી છે.