આ યાત્રામાં ભારતમાતાનો ફલોટ, ૨૦૦ ફૂટનો તિરંગો, બાઈક રેલી અને ‘વુમન પાવર’ પણ દેખાશે: ગૌરવ યાત્રાને વધુ ગૌરાન્વીત કરવા કાર્યકરો ‘અબતક’ની મુલાકાતે
૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ આખા ભારતમાં ભુલકાઓથી લઈને યુવાનો અને વૃધ્ધો, ભારતના આ રાષ્ટ્રપર્વની ભારતના દરેક લોકો ખૂબજ ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય છે.
આવી જ એક ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં સામાજિક સમરસતા મજબૂત બનાવવા, દેશમાં પ્રસરેલી બટવારાની ભાવનાને દૂર કરવા અને હમ સબ એક હૈ નો નારો સિદ્ધ કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટ ખાતે એક ભવ્ય “રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારત માતાનો મુખ્ય ફલોટ, શહીદ કુટીર તથા ૨૦૦ ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્ર ધ્વજ રહેશે જેને ચાલીને સમગ્ર રૂટમાં લઈ જવામાં આવશે. આ યાત્રામાં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓના જીવંત પત્રો પણ રહેશે. યાત્રાની પૂર્ણાહુતિ બાદ સમૂહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદોને સમૂહ શ્રદ્ધાંજલી તેમજ ભારત માતા પૂજનનો કાર્યક્રમ રહેશે. ધ્વજવંદન આર્મીના રોહિત અને અમિનના હસ્તે કરવામાં આવશે. આ તકે ‘અબતક’ની મુલાકાતે આવેલા કાર્યકર અલ્પેશ ગમારાએ જણાવ્યું કે, જાહેર યાત્રામાં પહેલીવાર નારી શક્તિનું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પૂરુષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી શકે છે તે બતાવવા બહેનો પણ બાઈક લઈને તથા ચાલીને મોટી સંખ્યામાં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સીસ્ટમ પર દેશભક્તિના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ જુમશે.
યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પોથી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે. યાત્રાનું પ્રસ્થાન સવારે ૮:૩૦ વાગ્યે રામાપીર ચોકડીથી લઈને રામનાથપરા ગરુડ ગરબી ચોક ખાતે ૧૧:૩૦ વાગ્યે સમાપન થશે. આ યાત્રાને સફળ બનાવવા આશિષ મુલીયાના, જીતેશ રાઠોડ, ધ્રુવ કુંડેલ, ભાવિન સોની તથા ધર્મેશ ગોહેલ જહેમત ઉઠાવી છે.