ચૂંટણી જાહેર થવાના અંતિમ દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા કાલે બહુચરાજી અને દેવભૂમિ દ્વારકાથી જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે ઝાંઝરકા અને ઉનાઇ માતાથી ભાજપની ગૌરવ યાત્રાને આપશે લીલીઝંડી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂૂંટણીની તારીખોનું એલાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હવે ગમે ત્યારે કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ત્યારે સતત સાતમી વખત ગુજરાતનો ગઢ ફતેહ કરવા સત્તાધારી પક્ષ ભારત ફુલફલેજમાં ઇલેકશન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છેલ્લા ત્રણ દિવસથી માદરે વતન ગુજરાતની મુલાકાતે છે આજે ગુજરાત પ્રવાસનો તેઓનો અંતિમ દિવસ છે. દરમિયાન આવતીકાલથી ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ તથા કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના આ બન્ને રાષ્ટ્રીય નેતા દ્વારા અલગ અલગ યાત્રાધામ ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરાવવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા આવતીકાલે બુધવારે સવારે 9 કલાકે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ શકિતપીઠ એવા બહુચરાજી ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરાવશે જયારે જે.પી. નડ્ડા બપોરે ર કલાકે દેવભૂમિ દ્વારકા ખાતેથી ગૌરવ યાત્રાને લીલીઝંડી આપશે.
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ, કેન્દ્ર સરકારના ગૃહ અને સરહાર મંત્રી, ગુજરાતના પનોતા પુત્ર ગાંધીનગર લોકસભાના ભાજપના સાંસદ અમિતભાઇ શાહ ગુરૂવારે ગુજરાતની મુલાકાતે આવશે તેઓ સવારે 11 કલાકે ઝાંઝરકાના સંત સવૈયાનાથજીના સાનિઘ્યમાં જયારે બપોરે 1 કલાકે ઉનાઇ માતા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરવાશે. વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજયના પવિત્ર યાત્રાધામોને સાંકળી લેતી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીની તારીખોનું એલાન થાય તે પૂર્વ ભાજપ કાર્યકરોમાં પુરો જોમ જુસ્સો જગાડી દેવા માંગે છે.