ખોડિયાર મંદિર કૈલાસધામ ખાતે મામેરા દર્શનનો લાભ લેશે હજારો ભાવિકો
અષાઢી બીજની ગુજરાત તથા સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવે છે. આ પવિત્ર પર્વ પર જગન્નાથજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે રાજકોટમાં પણ જગન્નાથજીની નગરયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી શનિવારે અષાઢી બીજના દિવસે શહેરના મુખ્યમાર્ગો પર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે જગન્નાથજીની યાત્રા ત્યાગી મોહનદાસજી મહારાજ અને અખાડાના સંતોના નેતૃત્વ હેઠળ કરવામાં આવશે. જેના ભાગ‚પે ગુરુવારના રોજ ખોડિયાર મંદિર કૈલાસધામ ખાતે મામેરા દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં બહોળા પ્રમાણમાં ભકતોએ મામેરા દર્શનનો લાભ લીધો હતો અને તા.૧૪મી જુલાઈ શનિવારના રોજ અષાઢી બીજ જગન્નાથજીની નગરયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન ખોડિયાર મંદિર, કૈલાસધામના બાપુ ત્યાગી મનમોહનદાસ ગુરુ રામકિશોરદાસે જણાવ્યું હતું કે, ગુરુવારના રોજ અષાઢી બીજ પવિત્ર પર્વ પર જગન્નાથજીની નગરયાત્રાના ભાગરૂપે ગુરુવારના રોજ મામેરા દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળા પ્રમાણમાં ભકતોએ દર્શનનો લાભ ઉઠાવ્યો હતો. આ મામેરા દર્શનના ભાગરૂપે શ્રીનાથજીની પાઘડી, સુભદ્રાજીના મુગટ, તેમના વસ્ત્રો, કુંડલ તેમજ બંગડીઓના દર્શનનો લાભ ભકતોને મળ્યો હતો અને ભકતો દ્વારા ઘણા ધામધુમથી આ મામેરાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને શનિવારે સવારે ૮:૩૦ કલાકે કૈલાસધામ આશ્રમ ખાતેથી જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે અને રાજકોટ શહેરના મુખ્યમાર્ગો પર બ્રહ્મ કરી કૈલાસધામ આશ્રમ ખાતે આવશે.
અષાઢી બીજના પર્વ નિમિતે યોજાનાર રથયાત્રા ૧૧મી રથયાત્રા માનવામાં આવે છે. અગાઉ રામકિશોરદાસજી મહારાજ દ્વારા જ ૧૦ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આ જગન્નાથજીની રથયાત્રા અખાડાના સંતો અને ભકતો દ્વારા ખુબ ધામધુમથી ઉજવવામાં આવશે તથા રાજકોટના તમામ ભકતોને આ રથયાત્રાના દર્શનનો લ્હાવો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.