સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા રૂ ૧૨૬.૧૦ કરોડના બજેટને બોર્ડ આપશે લીલીઝંડી
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે મંગળવારે સવારે ૧૧:૦૦ કલાકે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરવા રૂ.૨૧૨૬.૧૦ કરોડના બજેટને આખરી મંજુરી આપવામાં આવશે. બજેટ બોર્ડમાં પણ પ્રેક્ષકો માટે ગેલેરી બંધ જ રાખવામાં આવશે.
કાલે કોર્પોરેશનની મળનારી જનરલ બોર્ડની બેઠક વર્ષ ૨૦૧૮-૨૦૧૯નું રીવાઈઝડ અંદાજપત્ર તથા ૨૦૧૯-૨૦નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય કર અને શિક્ષણ કર નિયત કરવા, પાણીના દર નકકી કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, વાહન કર નિયત કરવા, થીયેટર ટેકસ નિયત કરવા, ખુલ્લા પ્લોટ પર વસુલવામાં આવતો ટેકસ નકકી કરવા, વોટર ટેકસ નકકી કરવા, કન્ઝર્વન્સી ટેકસ નકકી કરવા તથા ડ્રેનેજ ટેકસ નકકી કરવા ઉપરાંત મિલકત વેરા વળતર યોજના અંગે નિર્ણય લેવા, ઓનલાઈન પેમેન્ટમાં વિશેષ વળતર આપવાની મંજુરી આપવા, કાર્પેટ એરિયા આધારીત વેરા નિયમોમાં ફેરફાર કરવા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની ૧૪ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા મહાપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું રૂ.૨૦૫૭.૪૨ કરોડનું બજેટ રજુ કર્યું હતું. જેમાં રાજકોટવાસીઓ પર ૪૧ કરોડનો કરબોજ લાદવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટની સમીક્ષા અને અભ્યાસ કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે સુચવેલો રૂ.૪૧ કરોડનો કરબોજ ફગાવી દેવામાં આવ્યો હતો અને બજેટના કદમાં રૂ.૬૮.૬૮ કરોડનો વધારો કરી રૂ.૨૧૨૬.૧૦ કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગે મંજુર કરેલા બજેટને કાલે જનરલ બોર્ડમાં આખરી મંજુરી આપવામાં આવશે. બજેટમાં રાજકોટવાસીઓ પર એક પણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો ન હોય વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે બજેટમાં વિરોધ કરવા જેવો એક પણ મુદો નથી જોકે બજેટમાં સમાવિષ્ટ યોજના માત્ર કાગળ પર ન રહે અને વાસ્તવમાં સાકાર થાય તે મુદ્દે કોંગ્રેસ વિરોધ કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.