ઉભરાતી ડ્રેનેજ અને પાણી પ્રશ્ર્ને બોર્ડમાં હંગામાના એંધાણ: લાઠીચાર્જની ગુંજ પણ સંભળાશે: પ્રેક્ષકો માટે પ્રવેશબંધી યથાવત
કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૨૧ પ્રશ્ર્નો અને કોંગ્રેસના ૧૦ કોર્પોરેટરોએ ૨૬ સહિત કુલ ૪૭ પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. જેમાં સૌથી વધુ પ્રશ્ર્નો ડ્રેનેજના છે. ગત મહિને પડેલા અનરાધાર વરસાદમાં શહેરની ડે્રનેજ નેટવર્ક ચીથરેહાલ થઈ ગયું હતું. એક માસ વિતવા છતાં ડ્રેનેજની ફરિયાદોનો નિકાલ થતો નથી. પ્રશ્ર્નોતરીકાળમાં પ્રથમ પ્રશ્ર્ન સેનીટેશન કમીટીના ચેરમેન આશિષ વાગડીયાનો ચર્ચાશે જેમાં મોટાભાગનો સમય પસાર થઈ જાય તેવી સંભાવના છે. ડ્રેનેજ અને પાણી પ્રશ્ર્ને વિપક્ષ કોંગ્રેસ શાસકો તથા અધિકારીઓને ભીડવવાના મુડમાં છે. બીજી તરફ લોક પ્રશ્ર્ને અવાજ ઉઠાવવા બદલ શાસકોના ઈશારે પોલીસે કોંગ્રેસના નગરસેવકો અને કાર્યકરો પર કરેલા લાઠીચાર્જના પડઘા પણ સભાગૃહમાં સંભળાય તેવી શકયતા જણાય રહી છે. કાલની બોર્ડ બેઠક તોફાની બની રહેશે. રાબેતા મુજબ બોર્ડમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.