- વાહન અથડાયા બાદ નુકસાનીના પૈસાની ઉઘરાણી કરી હિંચકારો હુમલો કરનાર અફઝલ કાલાવડ પોલીસના સકંજામાં
કાલાવડ વિશ્વ હિન્દૂ પરીષદના પ્રમુખ રમેશભાઈ દોંગા અને તેમના ભાઈ પર સરાજાહેર હુમલાની ઘટના સામે આવી છે. વિચેપી પ્રમુખના ભાઈ સાથે વાહન અથડાયા બાદ નુકસાનીના રૂ. 20 હજારની ઉઘરાણી કરનાર અફઝલ કાદરી સહીત કુલ છ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઇ કાલાવડ પોલીસે અફઝલ કાદરી સહીત કુલ છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં અફઝલ કાદરીને રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ દોંગા તેમજ તેમના ભાઈ હસમુખભાઈ દોંગા ઉપર ત્રણ વ્યક્તિએ હુમલો કરી દેતાં ભારે દોડધામ થઈ હતી. બંને ઈજાગ્રસ્તને સૌપ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલાવડના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ દોંગાના ભાઈ હસમુખભાઈ દોંગા પોતાનું વાહન લઈને વાડીએ જઈ રહ્યા હતા, જે દરમિયાન એક બાઈક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં નુકસાન થયું છે તેમ કહી પેટ્રોલ પંપમાં કામ કરતા અફઝલ કાદરીએ નુકસાનીના 20,000 રૂપિયા ની માંગણી કરી હતી. જે બાદ હસમુખભાઈએ પોતાના ભાઈ રમેશભાઈને બોલાવી લીધા હતા.જ્યાં બંને ભાઈઓ પર અફઝલ કાદરી સહીત ત્રણેક શખ્સોએ હુમલો કરી દેતાં કાલાવડમાં ભારે ચર્ચા જાગી છે. નુકસાનીના 20 હજાર તો આપવા જ પડશે નહીંતર ઉપર જતાં વાર નહિ લાગે તેવું કહી ઝપાઝપી કરી રમેશભાઈના ખિસ્સામાંથી રૂ. 3 હજારની લૂંટ ચલાવી લેવામાં આવી હતી. લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડતા રમેશભાઈ તેમના ભાઈ સાથે ત્યાંથી નીકળી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જઈ રહ્યા હતા ત્યારે સિનેમા રોડ પર મોટર સાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ ચાલુ વાહને દોંગા બંધુને ઢીંકાપાટુની માર મારેલ હતો. જેના લીધે રમેશભાઈનું વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા બંને ભાઈઓ નીચે પડી ગયાં હતા. જે બાદ ફરિયાદ કરવા જતાં નહિ તેવી ધમકી આપી ત્રણેય શખ્સો ફરાર થઇ ગયાં હતા. મામલામાં રમેશભાઈ દોંગાની ફરિયાદ પરથી કાલાવડ પોલીસે અફઝલ કાદરી સહીત કુલ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પીઆઈ એન વી આંબલીયાની ટીમે તાતકાલિક અફઝલ કાદરીને સકંજામાં લઇ સઘન પૂછપરછ શરૂ કરી છે.