તરુણીના ધરાર પ્રેમીને લગ્નની ના કહેતા સાત શખ્સોએ પાઈપ અને લાકડીથી માર માર્યો: હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
કાલાવડ તાલુકાના મોટા વડા ગામે ખેત મજુરી કરતા પરિવારની તરુણીના ધરાર પ્રેમીને લગ્નની ના કહેતા તરુણી તેના ભાઇ અને પિતા પર પાઇપ અને લાકડીથી સાત શખ્સોએ ખૂની હુમલો કર્યાની કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સાતેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સરદારપુર ગામના વતની એ કાલાવડ નજીક આવેલા મોટાવડા ગામના નિલેશભાઇ અકબરીની વાડીએ મજુરી કામ કરતા બાદર ઉર્ફે બહાદુર ધનાભાઇ હટીલા (ઉ.વ.48) તેના પુત્ર બલુ હટીલા (ઉ.વ.21) અને પુત્રી નર્બદી હટીલા (ઉ.વ.15) પર મોટાવડાના કમલેશ ગણાવા, મહોબત ગણાવા, ધ્યાનસિંગ ઉર્ફે દિનેશ ગણાવા, નિલેશ આમલીયા અને ત્રણ અજાણ્યા શખ્સોએ પાઇપ અને લાકડીથી ખૂની હુમલો કર્યાની ટેટીબેન ઉર્ફે શારદાબેન બાદરભાઇ હટીલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નર્બદી હટીલા અને કમલેશ ગણાવા વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી બંનેના લગ્ન કરાવવા અંગે કમલેશ ગણાવાએ બાદર ઉર્ફે બહાદુર હટીલા પૂછવા જતા તેને લગ્નની ના કહેતા તે ઉશ્કેરાયો હતો અને અન્ય સાગરીત સાથે પાઇપ અને લાકડી સાથે આવી બાદર તેની પુત્રી નર્બદી અને પુત્ર બલુ પર હુમલો કરી ભાગી જતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.વી.પટેલ સહિતના સ્ટાફે કમલેશ ગણાવા, મહોબત ગણાવા, ધ્યાનસિંગ ઉર્ફે દિનેશ ગણાવા, નિલેસ આમલીયા અને ત્રણ અજાણ્યા શખ્સો મળી સાત સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.