નવ શખ્સોની ધરપકડ કરી ત્રણ બાઇક અને રોકડ મળી રૂ. 1.65 લાખનો મુદામાલ કબ્જે કર્યો: પી.આઇ. બી.એમ. કાતરીયા અને ટીમને મળી સફળતા
જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં તરખાટ મચાવનાર પરપ્રાંતિય ગેંગના નવ શખ્સની ધરપકડ કરી કોટન મીલ, ઓઇલ બીલ અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં મળી ત્રણ કારખાનામાં રૂ. 4.05 લાખની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ બાઇક 11 મોબાઇલ,, ચાંદીના સિકકા મળી અને 60,500 રોકડ રૂ. 1.65 લાખનો મુદામાલ કબ્જે કરી વિશેષ તપાસ પી.આઇ. બી.એમ. કાતરીયા સહીતના સ્ટાફે હાથ ધરી છે.
કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં કપાસના જીનિંગ અને ઓઈલ મીલ વગેરેમાં ચોરીના બનાવો બન્યા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવા ં પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. કાતરીયાને દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. કાલાવડના જામનગર અને રાજકોટ માર્ગના ગામડાના લોકોને પણ જાગૃત તેમજ સાવચેત કરવામાં આવ્યા હતા. પરપ્રાંતમાંથી ખેત મજૂરી માટે આવતા લોકો ઉપર ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે કાલાવડ તાલુકાના જસાપર ગામની સુર સાંગડા સીમ વિસ્તારમાં બાલાજી ફાર્મની પાછળ થી ત્રણ બાઈકમાં પસાર થતા નવ શખ્સો શંકાસ્પદ હાલતમા મળી આવતાં તેમને આંતરવામાં આવ્યા હતા. જેમાંનો એક મુનીલ ઉર્ફે મુન્નો ઉર્ફે મોહન સુભાષભાઈ બામણીયા (રે. જસાપર તાલુકો કાલાવડ મૂળ મધ્ય પ્રદેશ) નામના આરોપીની તપાસ કરતાં તે વર્ષ 2018 માં લોધીકા પંથક માં ચોરીના કેસમાં પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી પોલીસે પકડી પાડેલા નવ આરોપીઓની પૂછપરછ કરતા તેમણે કાલાવડની કૈલાશ કોટન, પૂજા કોટન, શીતલ યુનિવર્સિલ લિમિટેડ વગેરે સ્થળો અને આશ્રમ ઓઇલ મીલમાં
ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે મુનીલ ઉર્ફે મુનો ઉર્ફે મોહન સુભાષ બામણીયા, અનિલ સુભાષ બામણીયા, ધર્મેશ ગમારીયા વાસ્કેલા, રેમલાભાઈ સાવલિયા ભાઈ આલવા, પપ્પુભાઈ વેસ્તાભાઈ મોહનિયા અમરસિંહ ઉર્ફે નાનકો ગમારીયાભાઈ વાસકેલા, મગેશ ઉર્ફે રમેશ ગમારિયા વસ્કેલા, વેલસિંહ ઉર્ફે રાજુ ગમારિયાભાઈ વાસ્કેલા અને ભૂરા મંગરસિંગ આલવા નામના નવ આરોપીની ધરપકડ કરી હતી,
પોતાની ઓળખ છતી ન થાય તે માટે ચડ્ડી અને શર્ટ પહેરતા હતા, તેમજ મોઢે બુકાની બાંધતા હતા. પોલીસે આ ગેંગ પાસેથી ત્રણ બાઈક, 11 નંગ મોબાઈલ ફોન, રૂા. 60,500 ની રોકડ રકમ, તથા ગોફણ અને કોષ જેવા સાધનો પણ કબ્જે કર્યો છે.