સસ્તામાં કોટન વેસ્ટ ખરીદવા ગયેલા યુવકો રાજસ્થાનમાં લુંટાયા તા: એલ.સી.બી. એ ભેદ ઉકેલયા
જામનગર જિલ્લાના કાલાવડ પંથકના વેસ્ટ કોટનના બે વેપારીઓને વેસ્ટ કોટન ખરીદવાની લાલચ આપી રાજસ્થાન બોલાવી રૂપિયા છ લાખ પંદર હજારની લુંટ ચલાવવા અંગેના પ્રકરણમાં તપાસનો દોર રાજસ્થાનના અલવર સુધી લંબાઇ ત્યાંથી બે લૂંટારુઓ ને ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે. તેઓની પૂછ પરછ દરમિયાન વધુ ચાર સાગરીતો ના નામો ખુલ્યા છે.
આ બનાવ ની વિગત એવી છે કે કાલાવડના ખોડીયાર પરામાં રહેતા અને કોટન વેસ્ટ નો વેપાર કરતા મૌલિકભાઈ ડાયાભાઈ સાવલિયા અને તેમના મિત્ર ભાવેશભાઈ કે જે બંનેને સસ્તા ભાવે કોટન વેસ્ટ આપવા બાબતે રાજસ્થાનના અલવરના કેટલાક શખ્સો એ રાજસ્થાન બોલાવી લીધા પછી તેઓને એક સ્થળે ગોંધી રાખી રૂપિયા 6,15,000 ની લૂંટ ચલાવી હતી, ત્યારબાદ બંને યુવાનોને છોડી દેવાયા હતા.
તેઓએ જામનગર આવ્યા પછી કાલાવડ પોલીસ મથક માં પોતાને ગોંધી રાખીએ રૂપિયા 6.15 લાખની લૂંટ ચલાવવા અંગે કાલાવડ ટાઉન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી, અને રાજસ્થાનની ટોળકી નું કારસ્તાન હોવાનું જણાવ્યું હતું.
જેથી જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની સુચના થી એલસીબી ની ટુકડીએ રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા, અને અલવર જિલ્લામાંથી શેહરૂનખાન શરીફખાન મેવ, તેમજ અરસદ ખાન હમીદખાન ભૂરેખા બંનેની અટકાયત કરી લીધી હતી, અને તેઓને જામનગર લઈ આવ્યા પછી કાલાવડ ટાઉન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા તેઓ પાસેથી રૂપિયા 3,500 ની રોકડ રકમ અને મોબાઇલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા છે.
દરમિયાન આ કાવતરું રચવામાં તેઓની સાથે રાજસ્થાન પંથકના અન્ય ચાર લૂંટારુઓ પણ જોડાયા હતા, અને તેઓના નામ મુસ્તકીમ હબીબખાન, સમસૂ મુસ્લિમ, વસીમ હાકમદિન મેવ અને નશિમ હનીફખાન મેવ વગેરે પણ આ લુંટની ઘટનામાં જોડાયા હોવાથી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.