આર્થિક ભીંસથી કંટાળી પરિણિતાએ જીવન ટૂંકાવ્યું: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની
કાલાવડ તાલુકાના પીઠડીયા ગામે આર્થિક ભીંસથી કંટાળી પરિણીતાએ એસિડ પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના આપઘાતથી બે પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામે રહેતી મધુબેન દિલુભાઈ પરમાર નામની 45 વર્ષની પરિણીતા ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું.
પરિણીતાને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન મધુબેન પરમારે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ ઘટના અંગે રાજકોટ પોલીસે કાલાવાડ પોલીસને જાણ કરતા કાલાવડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મધુબેન પરમારને સંતાનમાં બે પુત્ર છે અને મધુબેન પરમાર પોતાના પતિ સાથે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ આર્થિક ભીંસથી કંટાળી મધુબેન પરમારે એસિડ પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.