જામનગર સમાચાર
જામનગર જિલ્લાના કાલાવડ પંથકના બે વેપારી યુવાનોને રાજસ્થાનની ઠગ ટોળકીનો ભેટો થયો હતો, અને રૂપિયા ૬ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. કપાસના વેસ્ટના વેચાણના મામલે ચાર શખ્સોએ બંને વેપારીઓને રાજસ્થાનના અલવરમાં બોલાવ્યા પછી તેઓને ગોંધી રાખી માર મારી કુલ ૬ લાખ ૧૫ હજાર લુંટી લીધા નો મામલો કાલાવડ પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર મચી ગયો છે. પોલીસે ચારેય આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
કળાવડના ખોડીયાર પરા વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા મૌલિક ડાયાભાઈ સાવલિયા નામના વેપારીએ પોતાના અન્ય મિત્ર ભાવેશભાઈ કે જે બંને કપાસનો વેસ્ટ વેચાણથી લેવા માટે રાજસ્થાનના અલવર જિલ્લાના એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.જે વ્યક્તિ દ્વારા ટેલિફોન મારફતે સસ્તા ભાવે કપાસ નો વેસ્ટ અપાવી દેવાની લાલચ આપી હતી.
તેથી જામનગર જિલ્લાના કાલાવડના બંને યુવાનો રાજસ્થાનના અલવર ગામે પહોંચ્યા હતા, ત્યાં ફોન કરનાર શખ્સ અને તેના અન્ય ત્રણ સાગરીતો વગેરે મળીને સૌપ્રથમ અલવર થી ૩૦ કિમી દૂર આવેલી બંધ પોર્ટ્રી ફાર્મ ની ઓરડી માં લઈ જઈ દૂરથી કપાસના વેસ્ટ નો ઢગલો બતાવ્યો હતો, ત્યારબાદ બંનેને ઓરડી માં ગોંધી રાખી માર માર્યો હતો અને પટેલ વેપારી મૌલિક સાવલિયા ના ખિસ્સામાંથી રૂપિયા ૧૫ હજારની રોકડ રકમ લુંટી લીધી હતી.
ત્યારબાદ મારકુટ કરી મૌલિકના બેન્ક ખાતામાંથી બળજબરીપૂર્વક બે લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે પડાવી લીધા હતા.ત્યારબાદ તેના અન્ય મિત્ર સતિષ પાસેથી પણ ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે વધુ ચાર લાખ પડાવી લીધા હતા. આમ કુલ ૬ લાખ ૧૫ હજાર ની રકમ ની લૂંટ ચલાવી ઉપરોક્ત ચારેય શખ્સો જામનગરના બંને વેપારીઓને તરછોડીને ભાગી છૂટ્યા હતા.
જેથી બંને યુવાનો કાલાવડ પરત ફર્યા હતા, અને પોલીસનો સંપર્ક સાધ્યા પછી ઉપરોક્ત ચારેય શખ્સો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.