800 કિલો આયુર્વેદિક સુખડી અને રસીકરણ કરાયુ

હાલ ગાયોમાં લમ્પી વાયરસે કાળો કેર વર્તાવ્યો છે ત્યારે કાલાવડ તાલુકાની નાનાવડાળા ગામની રેઢીયાર તેમજ ગૌશાળાની ગાયોની વહારે આજ ગામના  ખોડિયાર મંદિર બેન્ડ પાર્ટીના યુવાનો આવ્યા છે. ગાયોમાં લમ્પી વાયરસ ના આવે તેમજ જે ગાયો લમ્પી વાયરસની ઝપેટમાં આવી ગઈ છે, તેમાં ઝડપથી રીકવરી આવે એ હેતુથી આ યુવાનો દ્વારા સ્વખર્ચે આયુર્વેદિક સુખડી બનાવીને ખવડાવવાનું તેમજ રસીકરણનું અભિયાન શરૂ કર્યું છે.

Untitled 12

આ યુવા ગૃપ દ્વારા અત્યાર સુધીમાં ગામના 80 જેટલા રેઢીયાર પશુઓને લમ્પી વાયરસ સામે રક્ષણ મળે તે હેતુથી રસીકરણ કરવામાં આવ્યું છે તેમજ 800 કિલો જેટલી આયુર્વેદિક સુખડી બનાવીને ખવડાવવામાં આવી છે. ખોડિયાર મંદિર બેન્ડ પાર્ટી-નાના વડાળાના યુવાનો લોકોના લગ્ન જેવા શુભ પ્રસંગોએ બેન્ડવાઝા વગાડીને ફંડ એકત્ર કરે છે તેમજ આ ફંડનો ઉપયોગ નાનાવડાળા તેમજ આજુબાજુના 100 કિમી વિસ્તારના ગામોની રેઢીયાર ગાયોને નીરણ નાખવાનું ભગીરથ કાર્ય કરે છે.

ભવિષ્યમાં નાનાવડાળા ગામમાં વિનામૂલ્યે એબ્યુલન્સ સેવા, મેડીકલ કેમ્પ, ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પુસ્તકો, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ ફી સહાય આપવાનું આયોજન આ બેન્ડ પાર્ટીના યુવાનો કરી રહ્યા છે. કાલાવડ તાલુકા ભાજપ બુથ મેનેજમેન્ટ કમિટીના ઈન્ચાર્જ અને હિન્દુ સેવા સમિતિ-નિકાવાના સદસ્ય ભાવેશભાઈ વિરડીયા તેમજ હિન્દુ સેવા સમિતિના અન્ય સદસ્ય કમલેશભાઈ ગમઢા, ભોજાભાઈ ટોયટા, અવધેશભાઈ સુચક, જેન્તીભાઈ ટોયટા, હરેશભાઈ ગરૈયા, વિવેકભાઈ ગમઢા, સંજયભાઈ પાડલીયાએ રૂબરૂ મુલાકાત કરી હતી.

આ તકે કાલાવડ તાલુકાના હર ઘર તિરંગા અભિયાનના ઈન્ચાર્જ ભાવેશભાઈ વિરડીયાએ આ યુવાનોને ગૌ સેવા અને સમાજ સેવાની સાથે સાથે તિરંગાની શાનમાં દેશભક્તિમાં ઓતપ્રોત થઈને આ સ્વતંત્રતા પર્વ ઉપર તારીખ 13 થી 15 ઓગષ્ટએ નાનાવડાળા ગામના દરેક ઘર પર તિરંગો લાગે એવા પ્રત્યનો કરી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.