હનુમાન જન્મોત્સવ નિમિતે મહાઆરતી-મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા
રાજકોટમાં કાલાવડ રોડ સ્થિત સંકલ્પસિદ્ધ હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતી નિમિતે ભાવિક-ભક્તોના સંકલ્પપૂર્તિ કરતું નુતન સિંહાસન ઉદઘાટીત કરવામાં આવ્યું હતું તેમજ સાંજે મહાઆરતી, પ્રવચન-આશીર્વચન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
હનુમાન જન્મોત્સવ નિમિતે સવારથી જ હજારો ભક્તો સંકલ્પસિદ્ધ હનુમાનજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આજથી ૨૧ વર્ષ પૂર્વે વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ સંકલ્પ સિદ્ધ હનુમાનજીની પ્રતિષ્ઠા કરતા કહ્યું હતું કે,અહી સંકલ્પ સિદ્ધ હનુમાનજી બધાના સંકલ્પો પૂર્ણ કરશે. આજે અહી ઉમટી પડેલા હજારો ભક્તોની લાંબી કતારો આ વાતની સાક્ષી પૂરતી જણાતી હતી. આ હનુમાન જન્મોત્સવમાં હનુમાન ચાલીસા પાઠનું આયોજન થયું હતું તથા ઉપસ્થિત હજારો ભક્તો-ભાવિકોએ શ્રી હનુમાનજીની વિશિષ્ટ પૂજનવિધિનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત બી. એ. પી. એસ.ના વિદ્વાન વક્તા સંત પૂ. અપૂર્વમુનિ સ્વામીએ હનુમાનજીના જીવનમાંથી સુખ શાંતિનો રાહ શીખવા તેમજ અનેકવિધ પરિસ્થિતિઓમાં પણ સફળ રહેવા માટે હનુમાનજીના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી જીવનમાં આગળ વધી શકાય તે માટે આરતી પૂર્વે ટૂંક માર્ગદર્શન પાઠવ્યું હતું. અંતે ઉપસ્થિત મહાનુભાવો અને ભક્તો-ભાવિકોએ શ્રી હનુમાનજીની મહાઆરતીનો પણ લાભ પ્રાપ્ત કર્યો હતો.
આજન્મોત્સવમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શહેર જોઈન્ટ પોલીસ કમિશ્નર ખત્રી, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, જગદીશભાઈ હરિયાણી વગેરે મહાનુભાવોએ હનુમાનજીની પૂજનવિધિ-વંદનાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.સમગ્ર જન્મોત્સવ બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકર ઘનશ્યામસિંહ ઝાલા અને કાર્યકરોની જહેમતથી યોજાયો હતો.