કેકેવી ચોકથી મોટા મવા સુધીનો હયાત 30 મીટરનો રોડ 36 મીટરનો જ્યારે મોટા મવાથી અવધ રોડ સુધીનો 36 મીટરનો હયાત રોડ 45 મીટરનો કરાશે
કપાતમાં જતી 125 જેટલી મિલકતના માલિકોને વૈકલ્પિક વળતર આપવાની દરખાસ્ત તૈયાર: ટૂંકમાં સ્ટેન્ડિંગમાં મોકલાશે
શહેરમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે કોર્પોરેશન દ્વારા સમયાંતરે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ દાખલ કરી અલગ-અલગ રાજમાર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે. શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડને પહોળો કરવા માટે બે વર્ષ પૂર્વે એલઓપી દાખલ કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં કેકેવી ચોકથી અવધ રોડ સુધીનો કાલાવડ રોડ પહોળો થઇ જશે. કપાતમાં જતી 125 જેટલી મિલકતોના માલિકોને વૈકલ્પિક વળતર આપવા માટેની દરખાસ્ત ટીપી શાખા દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. જે ટૂંક સમયમાં આખરી નિર્ણય માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કેકેવી ચોકથી મોટા મવાના સ્મશાન સુધીના હયાત કાલાવડ રોડની પહોળાઇ 30 મીટર છે. જે 36 મીટર કરવામાં આવનાર છે. આ માટે રોડની બંને સાઇડની મિલકતો 3-3 મીટર કપાતમાં લેવામાં આવશે. જેમાં 45 જેટલી મિલકતો આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મોટા મવાથી ન્યારી ડેમ પાસેના અવધ રોડ સુધીની હયાત પહોળાઇ 36 મીટરની છે. જે 45 મીટર કરવામાં આવશે. આ માટે રોડની બંને સાઇડ 4.5-4.5 મીટર મિલકત કપાતમાં લેવામાં આવશે.
જેમાં આત્મીય કોલેજની મિલકત પણ કપાતમાં આવે છે. છેલ્લા બે વર્ષથી રોડને પહોળો કરવા માટે ટીપી શાખાના અધિકારીઓ દ્વારા સતત મથામણ કરવામાં આવી રહી છે. 80 ટકાથી વધુ મિલકતોમાં માર્જિનની જગ્યા જ કપાતી હોવાના કારણે કોઇ મોટો ઇશ્યૂ ઉભો થતો નથી. પરંતુ મોટા મવા ગામ તળ સહિતના વિસ્તારમાં 20 ટકા બાંધકામ વાળી મિલકત પણ કપાત લેવી પડે છે. સતત મિટિંગ બાદ હવે કાલાવડ રોડને અવધ રોડ સુધી પહોળો કરવાની કામગીરી લગભગ આખરી તબક્કામાં પહોંચી ગઇ છે.
કપાતમાં જતી મિલકતોના અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર આપવામાં આવશે. જેમાં જેટલી જમીન કપાતમાં જાય છે તેની સામે એટલી જ જમીન અન્ય સ્થળે આપવા, જમીનના બદલામાં જંત્રી મુજબ રોકડ વળતર અને વધારાની એફએસઆઇ એમ ત્રણ વિકલ્પ આપવામાં આવશે. જેમાં મિલકતધારક પોતાની ઇચ્છા મુજબ વળતર મેળવી શકશે. છેલ્લા બે વર્ષથી એક યા બીજા કારણોસર રોડ પહોળો કરવાની કામગીરી મંદગતિએ ચાલી રહી હતી. પરંતુ હવે તેને વેગ મળે તેવું લાગી રહ્યું છે.
કાલાવડ રોડથી અવધ રોડ સુધીના હયાત રસ્તાને પહોળો કરવા માટે કપાતમાં જતી મિલકતના અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર આપવાની દરખાસ્ત તૈયાર થઇ ગઇ છે. ટૂંક સમયમાં આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવશે.