- ખોડીયાર માતાજીના મંદિરમાંથી માતાજીના આભૂષણ અને ધર્માદા પેટી તસ્કરો ઉઠાવી ગયા
- પટેલ પરિવાર વેવાઇને ત્યાં આટો દેવા જતાં બંધ રહેલા મકાનમાં 24 તોલા સોનાના ઘરેણા અને રોકડનો તસ્કરોએ હાથફેરો કર્યો
કાલાવડ તાલુકાના જસાપર ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિર અને બાજુમાં રહેતા પટેલ પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના આભૂષણ અને ધર્માદા પેટી તેમજ બંધ મકાનમાંથી 24 તોલા સોનાના ઘરેણા અને રોકડ મળી રૂા.8 લાખની મત્તાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસાપર ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરને ગતરાતે તસ્કરોએ નિશાન બનાવી માતાજીનું 3 કિલો ચાંદીનું છતર, કબાટમાં રાખેલા ચાંદીના નાના છતર, માતાજીનો હાર અને ધર્માદા પેટી મળી રૂા.62 હજારની મત્તા ચોરી ગયાની સુરેશભાઇ માધવજીભાઇ ફળદુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે મંદિરની બાજુમાં જ રહેતા કેશવજીભાઇ કાનજીભાઇ ફળદુ ગઇકાલે લોધિકા તાલુકાના ચીભડા ગામે રહેતા વેવાઈને ત્યાં ગયા હતા તે દરયિમાન બંધ રહેલા મકાનના દરવાજાના તાળા-નકુચા તોડી તિજોરીમાંથી 24 તોલા સોનાના ઘરેણા, 12.50 ગ્રામ ચાંદીના દાગીના અને એક લાખ રોકડા મલી રૂા.7.38 લાખની મત્તા ચોરી ગયાની કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ શહેર પોલીસ મથકના પી.આઇ. યુ.એચ.વસાવાએ બંને અલગ અલગ ગુના નોંધી તપાસ હાથધરી છે.