જામનગર સમાચાર
કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં તળાવમાંથી માટી કાઢવાના પ્રશ્ર્ને ડખ્ખો સર્જાયો હતો, અને નાયબ મામલતદારની હાજરીમાં સર્વે દરમિયાન પવનચક્કીનું કામ રાખનારા 10 શખ્સો દ્વારા દલિત યુવાન સહિત ચાર ગ્રામજનો પર હુમલો કરાયાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે એસ્ટ્રોસિટી તેમ જ રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતા ગીરીશભાઈ હીરાભાઈ ચાવડા નામના દલિત યુવાને ખાનકોટડા ગામના તળાવમાંથી ગેરકાયદે રીતે માટી કાઢવાના પ્રશ્ર્ને ખાનકોટડા ગામમાં જ રહેતા અને પાયોનીયર કંપનીની પવન ચક્કીનું કામ રાખનારા ક્રિપાલસિંહ વનરાજસિંહ રાણા વગેરેને માટી કાઢતાં અટકાવ્યા હતા. પરંતુ તેઓએ માટી કાઢવાનું ચાલુ રાખતાં દલિત યુવાન ગીરીશભાઈ ચાવડા દ્વારા જામનગર ના વહીવટી તંત્ર અને કાલાવડ ના મામલતદાર સમક્ષ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને કાલાવડના નાયબ મામલતદાર ની હાજરીમાં રોજ કામ કરવામાં આવી રહયું હતું.
જેમાં ફરિયાદી દલિત યુવાન અને તેની સાથે કેટલાક ગ્રામજનો હાજર હતા. દરમિયાન પવનચક્કીનું કામ રાખનારા ક્રિપાલસિંહ રાણા અને તેની સાથેના અન્ય નવ શખ્સો ઉશ્કેરાયા હતા, અને હંગામો મચાવ્યા પછી જાહેરમાં અપમાનિત અને હડધૂત કરી ગાળો ભાંડી હતી અને તેના પર હુમલો કરી દીધો હતો.
આ ઉપરાંત તેની સાથેના ગ્રામજનો પ્રવીણ ઉર્ફે લાલાભાઇ જયેન્દ્રસિંહ, તેમજ રાજાભાઈ રાઠોડ વગેરે ઉપર પણ ધોકા- લાકડી- પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો, જેથી ભારે નાશભાગ થઈ હતી. આ બનાવ પછી ચારેય ઇજાગ્રસ્તો ને સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, અને પોલીસને મામલાની જાણ થતાં કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ. એચ.વી. પટેલ અને તેમનો સ્ટાફ વગેરે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
પોલીસે ગિરીશભાઈ ચાવડા ની ફરિયાદના આધારે હુમલા કરનારા કૃપાલસિંહ વનરાજ સિંહ રાણા, હાર્દિકસિંહ ઉર્ફે હરપાલસિંહ રાણા, લાલો ચારણ, રાજશી ચારણ, યશપાલ સિંહ જાડેજા તથા તેના અન્ય પાંચ સાગરીતો સહિત કુલ 10 આરોપીઓ સામે આઇપીસી કલમ 323,334,504,506-2,143,147,158,149 તેમજ એસ્ટ્રોસિટી એકટ ની કલમ 3(1),(આર)(એસ),3(2)(5-એ) ઉપરાંત જી.પી.એક્ટ કલમ 135-1 મુજબ ગુન્હો નોંધ્યો છે.હાલ તમામ આરોપીઓ ભાગી ભાગી છુટ્યા હોવાથી તમામ આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, અને જામનગર ગ્રામ્યના એસ.ટી.એસ.સી. સેલના ડીવાયએસપી એમ.બી. સોલંકી દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.