બિલના નાણાં રોકવાના પ્રશ્ને કોન્ટ્રાક્ટર દ્વારા માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી પોતાની ઓફિસમાં ફરજ પર હતા, દરમિયાન ગામના કોન્ટ્રાક્ટરે આવીને બિલના નાણા રોકવાના મામલે તલાટી કમ મંત્રી પર હુમલો કરી દીધો હતો, અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી અને તેઓની ફરજમાં રૂકાવટ કરી હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં રહેતા અને કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નારણભાઈ વસરા એ પોતાના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ પોતાની સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરવા અંગે નપાણીયા ખીજળીયા ગામમાં રહેતા હરેશભાઈ ભાલારા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે આઇપીસી કલમ 323,504, અને 506-2 મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી તલાટી કમ મંત્રી ગઈકાલે પોતાની કચેરીમાં સરકારી ફરજ પર હતા, અને નવા આવેલા તલાટી કમ મંત્રીને પોતાના ચાર્જ ની સોંપણી કરતા હતા, જે દરમિયાન આરોપી હરેશ ભલારા ધસી આવ્યો હતો, અને પોતે અગાઉ કરેલું કામ કે જેનું બિલ રોકાયું હોવાથી તે બિલના નાણા બાબતે તલાટી કમ મંત્રી પાસે ધમકી ભર્યા અવાજે વાત કરી હતી, અને તલાટી કમ મંત્રી ને ગાળો ભાંડી, જાપટો મારી દીધી હતી. અને તેઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. અને જો બિલ પાસ નહીં કરે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપી હતી.

જે મામલો આખરે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પીએસઆઈ એચ.વી. પટેલ દ્વારા આરોપી સામે ફરજમાં રૂપાવટ અને હુમલા અંગે  ગુન્હો નોંધ્યો છે, અને આરોપીને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.