સાગર સંઘાણી
રાજકોટનો ક્રિકેટના સટ્ટાનો એક બુકી કાલાવડ પંથકમાં મકાન ભાડે રાખીને ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ સતિયા ગામમાં એક મકાન પર દરોડો પાડી ક્રિકેટના સટ્ટાખોરને ઝડપી લીધો છે અને ક્રિકેટના સટ્ટા ને લગતું સાહિત્ય કબજે કર્યું છે. જ્યારે તેની પૂછપરછ ના આધારે સોદાની કપાત કરનારા અન્ય રાજકોટના એક બુકી તથા રાજકોટ અલગ અલગ ૧૧ પંટરોને ફરારી જાહેર કરાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટનો ક્રિકેટનો સટ્ટાખોર પરેશ ગોવિંદભાઈ દાસોટિયા કે જે અગાઉ રાજકોટમાં બે વખત ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવતાં પકડાઈ ગયો હતો, જેણે પોતાનું કાર્યક્ષેત્ર બદલીને જામનગર જિલ્લામાં ચલાવવાનું શરૂ કર્યું હતું, અને કાલાવડ તાલુકાના સતિયા ગામમાં એક મકાન ભાડે રાખીને ત્યાથી આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે, તેવી બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. જે બાતમીના આધારે ગઈ રાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન ઉપરોક્ત આરોપી પરેશ દાસોટિયા લેપટોપ મોબાઈલ ફોન વગેરે મારફતે ક્રિકેટનો સટ્ટો ચલાવતાં મળી આવ્યો હતો.આથી પોલીસે તેની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા૧૦,૫૦૦ ની લોકલ રકમ, લેપટોપ, ૪ નંગ મોબાઈલ ફોન વગેરે સહિતનો ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબજે કર્યું છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે રાજકોટમાં રહેતા સાગર પટેલ નામના એક બુકી પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તે બુકીને ફરારી જાહેર કરાયો છે. આ ઉપરાંત પોતાની સાથે રાજકોટ પંથકના જ જુદા જુદા ૧૧ જેટલા પંટરો પણ ક્રિકેટના સોદા કરતા હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે રાજકોટના બી.પી.નામના શખ્સ ઉપરાંત રાજકોટ મેહુલ નગરમાં રહેતા કેવિન પટેલ, રાજકોટમાં સોરઠીયા વાડી પાસે રહેતા સુમિત પટેલ, રાજકોટમાં આહીર ચોકમાં રહેતા જયસુખ જેઠવા, રાજકોટમાં સહકાર સોસાયટીમાં રહેતા જબ્બરભાઈ પટેલ, રાજકોટના સોરઠીયા વાડી વિસ્તારમાં રહેતા મોહિતભાઈ, ઉપરાંત રાજકોટના સદગુરુ, ૫૧ નંબર- રાજકોટ, લાલો -રાજકોટ, ૮૮ નંબર -રાજકોટ, અને અભિ- રાજકોટ. વગેરે નામધારી પંટારોને ફરારી જાહેર કર્યા છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.