સાગર સંઘાણી

ભૂમાફિયાઓને અંકુશમાં લઇને ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા સરકાર અને તંત્ર હંમેશા કટિબદ્ધ રહેતું હોય છે ત્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી રાજકોટના એક ઉદ્યોગકારની જમીનમાં ગેરકાયદેસર પેશ કદમીની ફરિયાદ સામે આવી હતી ત્યારે જિલ્લા કલેકટર સમક્ષ કરાયેલી અરજીના અનુસંધાને રાજકોટના બે મહિલા સહિતના પાંચ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો હતો.

રાજકોટમાં નાલંદા સોસાયટીમાં રહેતા અને મેટોડામાં ફેક્ટરી ધરાવતા પાર્થિવ કુમાર પ્રવીણચંદ્ર ગણાત્રા કે જેઓની ખેતીની જમીન કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી છે, તેની હાલ બજાર કિંમત અંદાજે ૬૦ લાખ જેટલી થવા જાય છે ઉપરોક્ત જમીનમાં આજથી આઠ મહિના પહેલા રાજકોટના નારાયણસિંહ ગણેશકુમાસિંહ ઝાલા વગેરેએ પેશ કદમી કરી લીધી હતી, અને જમીન ખાલી કરતા પાર્થિવ કુમાર દ્વારા જામનગરના જિલ્લા કલેકટર કચેરી સમક્ષ અરજી કરવામાં આવી હતી અને પોતાની જમીનના દસ્તાવેજો વગેરે રજૂ કરવામાં આવ્યા હતા.

અરજીના અનુસંધાને જામનગરના જિલ્લા કલેક્ટર સૌરભ પારધી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજકોટના બે મહિલા સહિતના પાંચ શખ્સોએ જમીનમાં ગેરકાયદે દબાણ કર્યું હોવાનું ધ્યાનમાં આવતાં તે અંગેના જિલ્લા કલેક્ટર સમક્ષ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટના અનુસંધાને એસ.પી. પ્રેમસુખ ડેલુ એ લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ નોંધવાનો આદેશ કરાયો હતો.

જે આદેશના પગલે કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ. એચ. વી. પટેલે પાર્થિવ કુમાર ગણાત્રા ની ફરિયાદના આધારે જમીન દબાણ કરનારા નારાયણ સિંહ ગણેશ કુમાર સિંહ ઝાલા, ઉપરાંત ગણેશકુમાર સિંહ ઝાલા, ગાયત્રીબા ગણેશકુમારસિંહ ઝાલા, જાનકીબા ગણેશ કુમારસિંહ ઝાલા, અને રાજદીપસિંહ જે. જાડેજા સામે ગુન્હો નોંધ્યો છે.

કઈ કલમ હેઠળ નોંધાયો ગુન્હો ??

પાંચેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૫૦૪,૫૦૬-૨,૧૧૪ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૪ (૩),૫ (ગ) મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.