જામનગર શહેરની ગલીઓમાં વિસરાતી વિરાસત વાદ્યને ઉજાગર કરતા કાળુભાઈના કર્ણપ્રિય સુરના તમે સાંભળતા જ દીવાના થઈ જશો. કાળુભાઈ રાવણહથ્થો સંગીત વાદ્ય વગાડવાનું અદભુત હુન્નર ધરાવે છે. આજના આ સમયમાં મ્યુઝિક સિસ્ટમ આવી ગઈ છે. એટલે જૂના જમાનાના વાંજિત્રો વિસરાઈ રહ્યાં છે.

ત્રણ પેઢીથી રાવણ હથ્થો વગાડી ગુજરાન ચલાવતો કાળુભાઇનો પરિવાર

ભાગ્યે જ કોઈ અત્યારે જૂના જમાનાના વાંજિત્રો વગાડતા જોવા મળે છે. ત્યારે મૂળ હળવદ અને હાલ જામનગરમાં રહેતાં કાળુભાઈ જૂના જમાનાનો રાવણહથ્થો વગાડે છે, જેમાં તે માહિર છે. કાળુભાઈને 4 દિકરા છે એટલે પરિવારમાં 6 સભ્યો છે. તેઓ આ રાવણહથ્થો વગાડીને જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ત્યારે ‘અબતક’ સાથેની વાતચિતમાં કાળુભાઇએ જણાવ્યું હતું કે અમે છેલ્લી 3 પેઢીથી રાવણહથ્થો વગાડતા આવીએ છીએ. અમે વર્ષોથી અલગ-અલગ ગામોમાં જઇને રાવણહથ્થો વગાડીએ છીએ. મારા 4 દિકરાઓ પણ રાવણહથ્થો વગાડી છે. અમે રાવણહથ્થો વગાડીને જે રૂપિયા આવે તેમાંથી ગુજરાન ચલાવીએ છીએ. કોઇ સારા માણસો હોય તો તેઓ 200-500 રૂપિયા આપે છે. જ્યારે કેટલાક લોકો 50-100 રૂપિયા આપે છે. જેથી અમારૂ ગુજરાન ચાલે છે. આ રાવણહથ્થા દ્વારા અમે અલગ-અલગ મંદિરમાં ભજન-કીર્તન તેમજ હિન્દી ગીતો વગાડીએ છીએ. મેં જાતે જ રાવણહથ્થો બનાવ્યો છે. અમને કોઇ પ્લેટફોર્મ મળતું નથી. જો યોગ્ય પ્લેટફોર્મ મળે તો અમારૂં જીવન સારી રીતે જીવી શકીએ. અમારી એક યુ-ટ્યુબ ચેનલ પણ છે. જેમાં ઘણી વિડિયો મુકેલ છે.

‘રાવણહથ્થો’ ભારતનું પૂરાણ વાદ્ય મનાય છે !

ગુજરાતના લોક સંગીતમાં ગજથી વાગતા વાજિંત્રોમાં એકમાત્ર રાવણહથ્થો છે. રાવણહથ્થો ભારતનું પુરાણ વાદ્ય મનાય છે. પરંતુ ભાગ્યે જ રાવણહથ્થો વગાડતા કે બનાવતા લોકો જોવા મળે છે. આપણે ત્યાં આ કલા વારસો લુપ્ત થવાના આરે છે. રાવણહથ્થો શબ્દ પુરાણમાંથી આવેલો છે. જેને સંસ્કૃતમાં રાવણ હસ્તવીણા તરીકે ઓળખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.