- પૂ.દિપકભાઇ કરશે પ્રાણ પ્રતિષ્ઠા: સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજાશે: દેશ-વિદેશથી હજ્જારોની સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડશે
- 50 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા સંકુલમાં ત્રિમંદિર ઉપરાંત સત્સંગ હોલ, ભોજન શાળા અને અતિથિ ગૃહની પણ સુવિધા
કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક વારસા અને પ્રસિદ્ધ મંદિરો જેવા વૈવિધ્યથી સભર એવા ભાવનગર શહેરની ધરોહરમાં એક વધુ કડી જોડાઈ રહી છે અને તે છે દાદા ભગવાન પ્રેરિત અનોખું નિષ્પક્ષપાતી ત્રિમંદિર. રાજકોટ-ભાવનગર હાઈવે પર રંગોલી પાર્ક નજીક નિર્માણ થયેલા આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન ઉજવાશે.
ધર્મમાં મતમતાંતર ટળે એવી પરમ પૂજ્ય દાદા ભગવાનની ભાવનાને સાકાર કરતા આ ત્રિમંદિરની વિશેષતા એ છે કે તેમાં વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી, શ્રીકૃષ્ણ તેમજ શિવ એમ જૈન, વૈષ્ણવ તથા શૈવ આ હિન્દુ પરંપરાના ત્રણ મુખ્ય સંપ્રદાયોના ભગવંતોના દર્શન એક જ છત્ર નીચે કરી શકવાનું શક્ય બન્યુ છે.
આ મહોત્સવ અંતર્ગત શુક્રવાર 16 ફેબ્રુઆરીના રાત્રે 7 થી 10 દરમ્યાન અધ્યાત્મ અને વ્યવહાર સંબંધી પ્રશ્ર્નોના સમાધાન માટે પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત અને આત્મજ્ઞાની ડો.નીરૂમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં પ્રશ્ર્નોત્તરી સત્સંગ તથા શનિવાર 17 ફેબ્રુઆરીના સાંજે 6.30 વાગે આત્મ સાક્ષાત્કાર પામવા માટેનો અદ્ભૂત ભેદજ્ઞાન પ્રયોગ ‘જ્ઞાનવિધિ’ રાખવામાં આવેલ છે.
રવિવાર, 18 ફેબ્રુઆરીએ સવારે 10 થી 12.30 સુધી ત્રિમંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ તમામ ભગવંતો અને દેવી- દેવતાઓની ભાવ પ્રાણપ્રતિષ્ઠા પૂ.દીપકભાઈ દ્વારા કરવામાં આવશે. આખો દિવસ ચાલનારા કાર્યક્રમમાં સાંજે 4.30 થી 7.30 દરમ્યાન બધા ભગવંતોના પ્રક્ષાલ-પૂજન-આરતી અને રાત્રે 9 થી 10.30 મંદિર પરિસરમાં ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
15,000 ચોરસફૂટ ક્ષેત્રફળ ધરાવતા આ ત્રિમંદિરમાં 9 ફૂટ ઊંચા વીતરાગી મુદ્રામાં બેઠેલ તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની ભવ્ય પ્રતિમા સાથે શ્રીકૃષ્ણ ભગવાન અને શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ છે. ભાવનગર ક્ષેત્રના રક્ષકદેવી ખોડિયાર માતાજી તેમજ આદ્યશક્તિ અંબા માતા, પદ્માવતી માતા, ચક્રેશ્ર્વરી માતા, ભદ્રકાળી માતા, શ્રીનાથજી, તિરૂપતિ બાલાજી, સાંઈબાબા, હનુમાનજી અને ગણપતિજીના દર્શન પણ અહીં થઇ શકશે. આ ઉપરાંત, સિદ્ધ ભગવંતોમાં આદિનાથ ભગવાન, અજીતનાથ ભગવાન, પાર્શ્ર્વનાથ ભગવાન, મહાવીર ભગવાન તેમજ આવતી ચોવીસીના તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુનું પણ અહીં સ્થાપન કરવામાં આવેલ છે.
આશરે અડધો લાખ ચોરસફૂટમાં પથરાયેલ ત્રિમંદિર સંકુલમાં 1500 વ્યક્તિઓ બેસી શકે એવો 20,000 ચોરસ ફૂટનો સત્સંગ હોલ, સાત્વિક ભોજન પીરસતી ભોજનશાળા અને ફૂડ કોર્ટ તેમજ રહેવા માટે આધુનિક સુવિધા ધરાવતા અતિથી ગૃહનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ક્ષેત્ર અને સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની ધારણા છે. ભારત તેમજ વિદેશમાં વસતા દાદા ભગવાન પરિવારના હજારો અનુયાયીઓ આ અલૌકિક પ્રસંગમાં ભાગ લેવા ભાવનગર પહોંચી ચૂક્યા છે.
જગતમાં સુખ-શાંતિ ફેલાય અને વિશ્ર્વનું કલ્યાણ થાય એવી પરમ પૂજ્ય દાદાશ્રીની એકમેવ ભાવનાને સાકાર કરતાં 18 ત્રિમંદિરો આજે ગુજરાત અને મહારાષ્ટ્રના લાખો મુમુક્ષુઓ માટે આંતરિક મતભેદોથી મુક્ત થવા તેમજ આધ્યાત્મિક પ્રગતિ કરવા માટેના એક મજબૂત આધારસ્તંભ બની ગયા છે. હાલમાં, વધુ ત્રણ ત્રિમંદિરો વેરાવળ, પુના અને મુંબઈ નજીક આવેલ થાણા ખાતે આકાર લઈ રહ્યા છે. આ નિષ્પક્ષપાતી ત્રિમંદિર ભાવનગર અને આસપાસના ગામો માટે એક મોટું ધર્મ અને અધ્યાત્મનું કેન્દ્ર બની રહેશે. વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ dadabhagwan.org અથવા trimandir.org ની મુલાકાત લઇ શકો છો.