ગાંધીધામ સમાચાર
વિશ્વ હિન્દુ પરિષદ – કચ્છ વિભાગ દ્વારા અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રી રામના પુનઃ પ્રતિષ્ઠા મંદિર માટે અયોધ્યાથી આવેલા પ્રસાદ અક્ષત(ચોખા) કળશ પુજન કાર્યક્ર્મ પંચમુખી હનુમાન મંદિર – આદિપુર ખાતે રાખવામાં આવ્યું હતું. અયોધ્યામાં નવનિર્મિત શ્રીરામ મંદિરમાં તારીખ 22 જાન્યુઆરીએ ભવ્ય પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે. તેની તડામાર તૈયારી ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા અક્ષત પત્રિકા,રામ ભગવાનનો ફોટો અને પોતાના ગામ કે વિસ્તારમાં આ ઐતિહાસિક પ્રસંગ વખતે રામમય બનાવવાનું આમંત્રણ ઘરે-ઘરે આપવામાં આવશે, જે અનુસંધાને આજરોજ પંચમુખી હનુમાન આદિપુર મધ્યે કુંભ પૂજન અર્ચન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા 1 થી 15 જાન્યુઆરી સુધી અક્ષત સહિતની સામગ્રી ઘરે ઘરે પહોંચાડવા માટે અભિયાન ચલાવવામાં આવશે, કચ્છના 1000 થી વધારે ગામડા અને 8 શહેરોમાં રામ ભક્તો ઘરે ઘરે જઈને સંપર્ક કરશે જિલ્લાને સોપાયેલા અક્ષત કુંભ તાલુકા મારફતે ગામેગામ સુધી પહોંચાડવામાં આવશે. મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે દરેક રામ મંદિરમાં આરતી સહિતના કાર્યક્રમ યોજાય તેવું આયોજન થઈ રહ્યું છે.
આજના આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંતો પ્રકાશઆનંદજી મહારાજ, ભરત ડાડા, રામ કરણદાસ બાપુ (અંતરજાળ), ચંદુ ડાડા ઉપસ્થિત રહી કળશ પૂજન કર્યું હતું.સૌરાષ્ટ્ર પ્રાંતના મહેશભાઈ ઓઝા, ધનજીભાઈ આહીર, માવજીભાઈ સોરઠીયા, મહેશભાઈ સોરઠીયા તથા જિલ્લા,વિભાગ અને પ્રખડના અલગ અલગ કાર્યકર્તા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેવું વિભાગ સહમંત્રી મહાદેવ વિરા દ્વારા જણાવવામાં આવ્યું છે.