- વાયરસના 118થી વધુ શંકાસ્પદ દર્દીઓ: 23 બાળકોના રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસએ કહેર મચાવ્યો છે ત્યારે એક પછી એક શંકાસ્પદ કેસ નોંધાઇ રહ્યા છે.ગુજરાતભરમાં વાયરસએ ભરડો લઈ લીધો છે.ત્યારે અનેક બાળકો વાયરસનો ભોગ બન્યા છે.સમગ્ર રાજ્યમાં વાયરસના કારણે 118 શંકાસ્પદ કેસો નોંધાયા છે જેમાં 45 થી વધુ દર્દીઓના મોત નીપજ્યા છે. સૌરાષ્ટ્રભરમાં 17 થી વધુ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે, કે 14 વર્ષથી ઓછી વયના બાળકોને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે. એક પછી એક બાળકના મૃત્યુ બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે.
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર વરસાદી રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ અને મૃત્યુ સાબરકાંઠામાં નોંધાયા છે. પ્રાપ્ત આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 118 થી વધુ કેશો નોંધાયા છે.જે પૈકી 45 થી વધુ બાળકોના શંકાસ્પદ મોત નીપજતાં ચારેકોર હાહાકાર મચી જવા પામ્યો છે.બાળકોના માતા પિતાના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે તબીબના જણાવ્યા અનુસાર વાયરસ સિઝનલ હોવાથી વરસાદી માહોલમાં ભેજના કારણે ફેલાઈ છે.વાયરસથી બચવા માટે સાવચેતી જાળવવી અનિવાર્ય હોવાનું તબીબ નિષ્ણાતોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે, કે ગુજરાત રાજ્ય દ્વારા તા.18/07/24 ના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે.
118થી વધુ કેસો પૈકી 54 સારવાર હેઠળ: 23 ડિસ્ચાર્જ
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ -118 કેસો છે.જે પૈકી સાબરકાંઠા-10, અરવલ્લી- 06, મહીસાગર-02, ખેડા-06, મહેસાણા-07, રાજકોટ-05, સુરેન્દ્રનગર-04, અમદાવાદ કોર્પોરેશન-11, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર- 02, દાહોદ-02, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01
દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04 કચ્છ-01, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-02, અમદાવાદ- 01 તેમજ જામનગર કોર્પોરેશન-01 શંકાસ્પદ કેસો મળેલ છે.ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 54 દર્દી દાખલ છે તથા 23 દર્દીઓને રજા આપેલ છે. આ તમામ શંકાસ્પદ કેસો પૈકી સાબરકાંઠા-03, અરવલ્લી-02, મહીસાગર-01, ખેડા-01, મહેસાણા-02, સુરેન્દ્રનગર- 01, અમદાવાદ કોર્પોરેશન-02, ગાંધીનગર-01, પંચમહાલ-03, જામનગર-01, મોરબી-01, દાહોદ-01, વડોદરા-01, બનાસકાંઠા-01, દેવભૂમિ દ્વારકા-01, તેમજ કચ્છ-01 જીલ્લામાંથી ચાંદીપુરા કુલ- 23 થી વધુ કેસ પોઝીટીવ મળેલ છે.
સૌરાષ્ટ્રભરમાં 14 બાળકોના શંકાસ્પદ મોત
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-118 કેસો પૈકી સાબરકાંઠા-02, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-01, મહેસાણા-02, રાજકોટ-07, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-04, ગાંધીનગર-02, પંચમહાલ-05, જામનગર-01, મોરબી-03, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-02, વડોદરા-01, બનાસકાંઠા-03, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, સુરત કોર્પોરેશન-0ર તેમજ જામનગર કોર્પોરેશન-01
એમ કુલ- 45 દર્દીઓ મૃત્યુ પામેલ છે. વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ધનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમાં વાહજ જન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાં આવ્યું. કુલ 4,68,581 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે કુલ 1,05,775 કાચા ધરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.કુલ 17,112 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,000 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.કુલ 18,313 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 814 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
ચાંદીપુરાએ વધુ એકનો ભોગ લીધો: જેતપુરના 11 વર્ષીય બાળકે સારવારમાં દમ તોડ્યો
રાજકોટ સિવિલમાં 6 પૈકી 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ 9 કેસ નોંધાયા છે. આ પૈકી 6 દર્દીનાં મોત 15 દિવસ પૂર્વે નીપજ્યા હતા.સિવિલમાં બે દિવસોમાં જ ત્રણ કેસો ચાંદીપુરાના લક્ષણો સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.જેમાંથી એક 4 વર્ષીય બાળકી પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની
,11 વર્ષીય તરુણી રાજકોટના મોટા મવામાં રહેતી અને પરિવાર મૂળ દાહોદના વતની છે.જ્યારે ગઈ કાલે જ દાખલ થયેલ જેતપુરનો 11 વર્ષના તરુણનું આજ રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બાળકોના બ્લડ સેમ્પલ લઈને પુના લેબમાં મોકલવામાં આવ્યા છે જેમાંથી 2 બાળકના સેમ્પલ ચંદીપુરા પોઝિટિવ આવ્યા છે.ત્યારે ગુજરાતમાં 30 થી વધુ બાળકોના આ વાઇરસના કારણે મોત નીપજ્યા છે. હાલ એ 7 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે જેમાંથી બે ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને બાકીના નેગેટિવ આવ્યા છે.રાજકોટની ઝનાના હોસ્પિટલમાં વધુ એક ચાર વર્ષીય બાળકને ચંદીપુરાની અસર જણાતાં દાખલ કરવામાં આવ્યું છે.બાળક મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાનું છે.બાળકને તાવની અસર જણાતાં પ્રાથમિક સારવાર પોરબંદર કરવામાં આવી હતી.જેને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયું છે.હાલ બાળા ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં સઘન સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ ગત તા. 9 ના દાખલ કરાયો હતો. ત્યારબાદ અન્ય કેસ પણ આવ્યા હતા.આમ દાખલ થયેલા 7 પૈકી 5નાં મોત નીપજ્યા હતા. આ તમામના સેમ્પલ લઈને પુણે મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. બાદમાં વધુ 2 દર્દીઓ પણ દાખલ થતા કુલ 7 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી 5 રિપોર્ટ નેગેટિવ જ્યારે 2 પોઝિટિવ આવ્યા છે. આ 2માં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની 2 વર્ષીય બાળકી હાલ સઘન સારવાર હેઠળ છે. આ બાળકીનો પરિવાર મૂળ મહીસાગરનો છે જેઓ થોડા દિવસ પહેલાં કાલાવડ આવ્યા હતા. આ સિવાય 13 વર્ષીય તરુણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેનું થોડા દિવસ પૂર્વે મોત નીપજ્યું છે. આ તરુણને મોરબીથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને તે પરપ્રાંતીય પરિવાર થોડા દિવસ પહેલાં જ વતનથી મોરબી આવ્યા હતા.આ ઉપરાંત આ સાત બાળકો સિવાય બીજા બે દર્દીને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પડધરી તાલુકાની 7 વર્ષની બાળકી છે. 2 મહિના પહેલાં જ પડધરી કામ માટે આવ્યા હતા અને ત્યારબાદ તબિયત લથડતાં સારવારમાં ખસેડાઈ છે.
ચાંદીપુરાથી ગભરાવાની નહિ સાવચેતી રાખવાની જરૂર: નિષ્ણાંત તબીબો
મેડિકલ તબિબો અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાંદીપુરા રોગ વકરવાનું મુખ્ય કારણ માખી છે.જે ભેજ વાળા વાતાવરણમાં ઉપદ્રવ ફેલાવી બાળકોને ખૂબ જ ઝડપથી અસર કરે છે.માખીના સંપર્કમાં આવતા બાળકોમાં ચાંદીપુરાની ખુબ જ ઝડપથી અસર જણાય છે.આ રોગ નવજાત શિશુથી માંડી 15 વર્ષીય બાળકોમાં થાય છે.જેમ વરસાદી માહોલ વધે છે તેમ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે,
ત્યારે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાતાવરણમાં તડકાનું પ્રમાણ વધતાં રોગમાં ઘટાડો જોવા મળશે.રોગનો ફેલાવો થવાનું મુખ્ય કારણ ભેજવાળા વાતાવરણમાં જનમ લેતી માખીઓના ઉપદ્રવના કારણે રોગમાં વધારે ફેલાવો જોવા મળે છે. આરોગ્ય તંત્રે સુવિધાના ભાગ રૂપે રાજકોટની ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ચાંદીપુરાગ્રસ્ત બાળકો માટે સ્પેશિયલ વોર્ડ વ્યવસ્થા પણ ઊભી કરી છે.હાલ સિવિલ હોસ્પિટલમાં કુલ 5 બાળ દર્દીઓ સઘન સારવાર હેઠળ છે.જેમાંથી 2 દર્દીના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા અને ગ્રામ્ય ક્ષેત્રે પણ સ્વચ્છતાના ભાગ રૂપે ઘણા પગલાંઓ લેવામાં આવ્યા છે.ઠેર ઠેર દવાઓનો છટકાવ કરી સ્વચ્છતાના ભાગ રૂપે ઘણા પગલાંઓ લેવામાં આવ્યા છે.વાયરસથી ગભરવાની જરૂર નથી,વાયરસ ઋતુજન્ય હોવાથી વરસાદી ઋતુના અંતની સાથે વાયરસમાં નોંધપાત્ર ઘટાડો જણાશે.