૨૨૪ બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભા જીતવી ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ.

કર્ણાટકમાં ચુંટણીનો પ્રચાર-પ્રસાર થંભી ગયો છે. આવતીકાલે કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે મતદાન થશે. ચુંટણીનું પરીણામ તા.૧૫મીના રોજ જાહેર કરવામાં આવશે.

આ ચુંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે નરેન્દ્ર મોદી સહિતના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા. બીજા છેડે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કમાન સંભાળી હતી.

ચુંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા બાદ હવે બંને પક્ષોના આઈટી સેલ આક્રમક રીતે ઓનલાઈન પ્રચાર-પ્રસાર કરશે તેવું જણાઈ આવે છે. ગઈકાલે મતદાતાઓને આકર્ષવા માટે બંને પક્ષોના નેતાઓએ જંગી જાહેરસભા અને રેલીઓ સંબોધી હતી.

ચુંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ સોનિયા ગાંધીના ઈટાલીના મુળનો મુદ્દો ચગાવ્યો હતો. રાહુલ ગાંધીને સતત પ મિનિટ બોલવાનો પડકાર પણ ફેંકયો હતો. આ તમામ આક્ષેપોના જવાબો રાહુલ ગાંધીએ અડગતાથી આપ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચુંટણી બાદ વડાપ્રધાન મોદીનો કર્ણાટકમાં સૌથી આક્રમક પ્રચાર હતો. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ચુંટણી સમયે ૩૪ રેલીઓ સંબોધી હતી.

જયારે કર્ણાટકમાં રેલીઓ તેમજ બે વખત નમો એપ દ્વારા લોકો સમક્ષ પહોંચ્યા હતા. સમગ્ર ચુંટણી પ્રચાર દરમિયાન મોદીએ ૨૯ હજાર કિમીની યાત્રા કરી હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ ૨૦ રેલીઓ તેમજ ૪૦ રોડ-શો અને સભા ગજવી હતી. રાહુલ ગાંધીએ ચુંટણી પ્રચારમાં ૫૫૦૦૦ કિમીની યાત્રા ખેડી હતી.

આ ઉપરાંત ભાજપ પ્રમુખ અમિત શાહે ૨૭ રેલીઓ અને ૨૬ રોડ-શોમાં ભાગ લીધો હતો. તેમણે ૫૦ હજારથી કિમી યાત્રા ચુંટણી પ્રચાર માટે કરી હતી. કુલ ૪૦ કેન્દ્રીય મંત્રીઓ, ૫૦૦ સાંસદો-ધારાસભ્યો અને ૧૦ મુખ્યમંત્રીઓની ફૌજ કર્ણાટક ચુંટણી પ્રચાર માટે ઉતારવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કુલ ૨૬૫૪ ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે. જેમાં ૮૮૩ની સરેરાશ સંપતિ ૭.૫૪ કરોડ ‚પિયા છે. ૬૪૫ માંથી ૨૫૪ સામે ગંભીર ગુના નોંધાયા છે.

૩૯૧ સામે અન્ય કેસ છે. કર્ણાટક વિધાનસભાની જીત ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ બની ચુકી છે. ઓપનીયન પોલનો દાવો છે કે અહીં કોઈ પક્ષ બહુમતી મેળવી શકશે નહીં. જોકે સૌથી મોટો પક્ષ તો કોંગ્રેસ જ રહેશે. જેડીએસ કિંગ મેકરની ભૂમિકા નિભાવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.