સી.એમ.બની રાજકોટ આવતા વિજયભાઈને આવકારવા જન જનમાં ઉલ્લાસ છે કારણ કે આ શાલીનતા અને હકારાત્મકતા ની જીત છે: રાજુભાઇ ધુવ
આવતીકાલ તા.૩૧ના રાજકોટ આવી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને રાજકોટવાસીઓના હદયમાં બિરાજમાન લોકસેવક વિજયભાઈ રૂપાણી ના અભિવાદન માટે ઘરે ઘરે ઉલ્લાસ છવાયો છે ત્યારે આ અંગે ભાજપના પ્રદેશ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે વિજયભાઈનું અભિવાદન એ પુરા રાજકોટ માટે વિજ્યોત્સવ છે આ સાર્વજનિક જાણ ઉત્સવ મા તમામ લોકોને જોડાવા તેમણે અપીલ કરી હતી.
વિજયભાઇ રૂપાણી અને રાજકોટના વિશિષ્ટ સંબધોને યાદ કરતા રાજુભાઇ ઘ્રુવે જણાવ્યુ હતું કે વિજયભાઇના હૈયે આખા ગુજરાતનું હિત વસેલું છે. એ બધાજ જાણે છે. પરંતું તેમના હૃદયના એક ખુણામાં રાજકોટ માટે અતિ વિશિષ્ટ સ્થાન છે. વિજયભાઇએ રાજકોટને અને રાજકોટે વિજયભાઇને ધણુ ધણુ આપ્યું છે.
આ શહેરમાં તેમનું બાળપણ વિત્યુ, અહી કોલેજકાળથી તેમના સંધ અને નેતાના સંસ્કારોનું સિંચન થયું, અહીથી જ તેમણે શુધ્ધ રાજનીતિની શરૂઆત કરીને જાહેર જીવનમાં જંપલાવ્યું. આજ શહેરે તેમને નાના મોટા પદ આપ્યા, ધારાસભ્ય અને મંત્રી તરીકેની જવાબદારી મળી અને છેવટે મુખ્યમંત્રી બન્યા અને રીપીટ પણ થયા સામા પક્ષે વિજયભાઇએ પણ રાજકોટવાસીઓનું ઋુણ ચુકવવા ભરપુર પ્રયાસો કર્યા. ઉપલાકાઠાના વિકાસકાર્યો, કેસરીહીંદ પુલ, રેસકોર્ષ નવીનીકરણ, ફનવર્લ્ડ, રેસકોર્ષ-૧, નવુ એસટી બસ સ્ટેન્ડ, રીંગરોડ એક, નવુ એરપોર્ટ, નર્મદા નીર દ્વારા જળસમસ્યાનું કાયમી નિરાકરણ અને તેના જેવા અનેક કાર્યો થકી તેમણે જાગૃતિ અને પ્રતિબધ્ધતાનું ઉદાહરણ પુરુ પાડયું છે. આ કારણે જ રાજકોટની પ્રજા અને તેમની વચ્ચે વિશ્વાસનો એક અતુટ નાતો રચાયો છે.
તાજેતરની ચુંટણીમાં વિજયભાઇ રૂપાણીને રાજકોટ પશ્ચિમની બેઠક પરથી પ૪ હજાર મતોથી મળેલ ભવ્ય જીતને પણ રાજકોટની પ્રજાના તેમના પરના અગાધ વિશ્વાસની સાબીતી ગણાવતા રાજુભાઇ ઘ્રુવે ઉમેર્યુ હતુ કે આ વખતની ચુંટણીઓ પર દેશ આખાની નજર હતી. નરેદ્રભાઇ મોદી જેવા ધરખમ નેતા દિલ્હી ગયા એ પછી આ ગુજરાતની પ્રથમ ચુંટણી હતી સ્વભાવિક રીતે જ વિરોધી શંકા સર્જતા હતા કે, હવે ગુજરાતમાં ભાજપને સફળતા નહી મળે બીજી તરફ વિરોધ પક્ષે કેટલાક પ્યાદાઓ ઉભા કરીને વર્ગવિગ્રહને સહારે ગુજરાત કબજે તમામ પ્રયત્નો કર્યા હતા. ચોક્કસ વર્ગને ભાજપ સામે ગોઠવી દેવાનુ પણ કાવતરુ થયું હતું. વિકાસને મજાકનું સાધન બનાવી દેવાયો હતો. આવી સ્થિતિમાં એક સાથે અનેક મોરચે સોર્યથી લડીને તેમણે એક આદર્શ સેનાપતિ તરીકે ફરી એક વખત પોતાને પુરવાર કર્યા હતા.
વિજયભાઈ રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી થઈ એ સાથે સૌરાષ્ટ્ર માટે પણ વિકાસના દ્વાર ઊઘડી ગયા છે. અગાઉ તેઓ રાજકોટ-અમદાવાદ વચ્ચે સિક્સ લેન અને રાજકોટ-મોરબી વચ્ચે ફોર લેન હાઈ-વે બનાવવાનો ક્રાંતિકારી નિર્ણય લઈ ચૂક્યા છે. નર્મદાના પાણી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ગામેગામ પહોંચાડવાનો નિર્ધાર તેઓ કરી ચૂક્યા છે.
રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, “ભાજપના અન્ય મુખ્યમંત્રીઓની જેમ વિજયભાઈએ પણ સૌરાષ્ટ્ર પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌરાષ્ટ્રની મુખ્ય જરૂરિયાત જળ છે, એક વખત પાણી મળે તો સૌરાષ્ટ્રની પ્રજા, ઉદ્યોગપતિઓ, ખેડૂતો વગેરે મળી ને જબરદસ્ત વિકાસ સાધી શકે છે. વિજયભાઈ વચનોના નહીં પણ એક્શનના માણસ છે. તેઓ બોલવા કરતા વધુ વિશ્વાસ કાર્યો કરવામાં રાખે છે. તેમને મન લોકકાર્યોથી વિશેષ બીજું કશું જ નથી.” ભાજપની સરકાર પણ તેમના નેતૃત્વમાં આ દિશામાં જ પ્રયત્નો કરી રહી છે એવું તેમણે જણાવ્યું હતું.
આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ જયારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમનુ ધમાકેદાર સન્માન અભિવાદન કરવા રાજુભાઇ ઘ્રુવે રાજકોટવાસીઓને અનુરોધ કર્યો હતો.