ડાળ ડાળ જાણે છે રસ્તા વસંતના, ફુલો એ બીજુ કંઈ નથી પગલા વસંતના
વસંત પંચમી, રવિવારના શુભસંયોગથી અનેક જગ્યાએ ઉપનયન સંસ્કાર, સમુહ લગ્નોત્સવના આયોજન
આવતીકાલે વસંતપંચમી શુભ પ્રસંગો માટેના વણજોઈતું મુહૂર્ત વસંત પંચમીના શુભદિવસે માધ મહિનાની પાંચમે મનાવવામાં આવે છે. પ્રાકૃતિક ‚પે પણ ફેરફાર મહેસુસ થાય છે. આજ દિવસથી વસંતઋતુનો પ્રારંભ થાય છે. આ દિવસે પાનખરની ઋતુ પુરી થાય છે અને ચારે કોર હરિયાળીનો પ્રારંભ થાય છે. વસંતના આ વટને વધાવતી એક પંકિત છે ‘ટહુકાનો ફાગ ખીલી ઉઠયો વૃક્ષ ડાળ પર આવી રહી હશે વસંત આસપાસમાં’ આવી રીતે વસંત આગમનના અણસાર માત્રથી વૃક્ષ ડાળ પર ટહુકાનો ફાગ ખીલી જતો હોય દરેક ઋતુમાં ઋતુરાજ ગણાતી વસંતને મળેલી આ ઉપમા યથાયોગ્ય જ છે.
વસંતઋતુનું આગમન થતા જ પ્રાકૃતિક પરવેશમાં પરિવર્તન આવે છે. પ્રકૃતિને નવજીવન મળે છે. આવી સરસ વસંતઋતુની અસર માત્ર પ્રકૃતિ કે વન ઉપવન પુરતી જ મર્યાદિત નથી. વસંતના આગમનને લીધે માનવીઓના મનમાય આનંદ ઉલ્લાસના ઘોડાપુર ઉમટે છે. ઈશ્ર્વરના શ્રેષ્ઠ સર્જનરૂપી માનવી આવી વરદાનરૂપ ઋતુના લાભથી વંચિત કેમ રહે ? કામણગારી વસંતના કામબાણથી યુવા સ્નેહીઓના હૃદય વિંધાઈ જાય છે. રંગ ભરેલી પિચકારીથી તન, મન રંગાઈ જાય છે. યૌવન અને ચેતનાના પર્યાય સમી વસંતઋતુમાં માનવ હૈયામાં નવચેતનાનો સંચાર થાય છે. રંગ‚પ અને ગંધની વાસંતી બહારને કારણે માનવીનું મન હિલોળે ચડે છે.
એક કથા પ્રમાણે મહાદેવે કામદેવની આજના દિવસે બાળ્યો હતો અને કામદેવે પણ મહાદેવજી સામે તીર ચલાવવા માટે આજનો દિવસ પસંદ કર્યો હતો માટે વસંત પંચમીના દિવસે લગ્નનું મહત્વ વધી જાય છે. આ ઉપરાંત એક લોક વાયકા પ્રમાણે સબરીએ રામ ભગવાનની ઘણા વર્ષો સુધી રાહ જોઈ અને રામ ભગવાન જે શુભ દિવસે સબરીને મળ્યા તે શુભ દિવસ વસંત પંચમીનો હતો.
આ સાથે વસંત પંચમીના દિવસે વિષ્ણુ ભગવાન અને સરસ્વતીની પુજાનો છે. આ દિવસે સૌપ્રથમ નિત્યકર્મ કરી શાલીગ્રામનું પુજન કરવું ત્યારબાદ જ્ઞાન અને વાણીના દેવી સરસ્વતીનું પુજન કરવું પુજનમાં સાથે પુસ્તકનું પુજન ઉતમ છે. વસંત પંચમીના દિવસે પહેલાના સમયમાં બ્રાહ્મણ પુત્રને યજ્ઞોપવિત ધારણ કરાવી વિદ્યા અભ્યાસ માટે મોકલાતા હતા. જનોઈ માટેનું વસંત પંચમીનું શુભમુહૂર્ત છે. લગ્ન માટે પણ વસંતપંચમી અતિ શુભ છે. આ સાથે આવતી રવિવાર પણ છે એટલે રવિવાર અને વસંત પંચમીનો સંયોગ હોવાથી લગ્ન-યજ્ઞોપવિત સહિતના શુભ પ્રસંગોની ઉજવણી થશે.
કાલે શિક્ષાપત્રી જયંતિ જીવન જીવવાનો કૌશલ્ય શિખવતો ગ્રંથ
આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ માનવીને જીવન જીવવાનું કૌશલ્ય શિખવતો ગ્રંથ શિક્ષાપત્રી, શિક્ષાપત્રીમાં કુલ ૨૧૨ શ્ર્લોક છે. શિક્ષાપત્રીની ૧૯૩મી જન્મજયંતિ. તેમાં મનુષ્યને જીવન જીવવાની તમામ પ્રકારની કળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી જ સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના ૩૬માં શ્ર્લોકમાં કહે છે કે કોઈપણ કામ ઉતાવળથી ન કરવું, કોઈના પર મિથ્યારોપણ ન કરવું, ભુલ થવાથી આત્મઘાત ન કરવી, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે.
મહાસુદ પંચમીએ વડતાલમાં શિક્ષાપત્રી લખી. જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગીતા-ઉપદેશ આપ્યો તે રીતે ભગવાન સ્વામિનારાયણે પોતા સત્સંગીઓ માટે આ શિક્ષાપત્રીનું આલેખન કર્યું છે. શિક્ષાપત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાય માટે મહત્વનો ગ્રંથ છે. સત્સંગીઓ દ્વારા તેનું નિયમિત પઠન કરવામાં આવે છે અને શિક્ષાપત્રીમાં દર્શાવેલા તમામ શ્ર્લોકનું પાલન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભગવાન સ્વામિનારાયણ દ્વારા લખાયેલી શિક્ષાપત્રી સંપ્રદાયને એકરૂપ કર્યો છે. વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રી જયંતિની ઉજવણી સ્વામિનારાયણ સંપ્રદાયના નાના-મોટા દરેક મંદિરોમાં કરવામાં આવે છે. આ દિવસે શિક્ષાપત્રીનું વાદ્ય-વાજીંગ સહિત ગાન કરવામાં આવે છે. ભગવાનને સુંદર વસ્ત્રો પહેરાવી શાકોત્સવ પણ કરવામાં આવે છે. આ શુભ દિવસે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાય છે.