વેણુ-૨ના કિનારે કાલે ભકિતનો દરિયો ઘૂઘવાશે: ૨૧ મહિના ગાયત્રી અનુષ્ઠા પૂર્ણ કરી કાલે પૂ.લાલબાપુ અને રાજુ ભગતના દર્શન કરવા લાખો ભાવિકો ઉમટી પડશે: ધર્મસભા સહિતના વિવિધ કાર્યક્રમ યોજાશે
સંત લાલબાપૂ તથા પૂ. રાજુભગતના ૨૧ મહિનાનું અનુષ્ઠાન પૂર્ણ થવાના પ્રસંગે કાલે સંતવાણી તથા ધર્મસભા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ગધેથડના ગાયત્રી આશ્રમમાં કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાલે સાંજે ૪ થી ૬ દરમિયાન ધર્મસભામાં પૂ. લાલબાપુ ભાવિકોને સંબોધન કરશે.
૨૧ મહિનાથી ગહન મંત્ર સાધના બાદ સાધનાખંડમાંથી બહાર પધારીને પૂ. લાલબાપુ આવતીકાલે બહાર આવશે આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી સહિત મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડીયા, આર.સી. ફળદુ અને પ્રદિપસિંહ જાડેજા ધર્મસભામાં હાજરી આપશે.
ગધેથડ ગાયત્રી આશ્રમના પૂ. લાલબાપુ વર્ષોથી એક મંત્રમાં લીન બન્યા છે. તેઓએ ગાયત્રી મંત્રોના કરોડો જાપ અને અસંખ્ય અનુષ્ઠાનોકર્યા છે. મહોત્સવમાં આ મંત્રનો દિવ્ય પ્રભાવ પ્રથરાશે. ૨૧ મહિનાના દીર્ઘ અનુષ્ઠાનમાંથી તેઓ આવતીકાલે બહાર પધારવાના છે. પૂ. લાલબાપુના ગુ‚ ઢાંકના મગનલાલ જટાશંકર શાસ્ત્રી છે. રાજુ ભગત પૂ. બાપુ સાથે રહે છે. અને સાધના જીવનનો આનંદ માણે છે. આ ઉપરાંત દોલુ ભગત પૂ. બાપુનીસેવામાં અનેસાધનામાં વ્યસ્ત રહે છે. પૂ. લાલબાપુ આયુર્વેદ ઔષધીના પણ જાણકાર છે. તેઓએ અસંખ્ય લોકોના દુ:ખ દર્દ દૂર કર્યા છે. ગઘેથડ આશ્રમના સેવકો પાસે પૂ. લાલબાપૂના અસંખ્ય પરચાઓનું લીસ્ટ છે.
સૌરાષ્ટ્રની આધ્યાત્મિક પરંપરામાં ગાયત્રી આશ્રમ અને લાલબાપુ સુવર્ણપુષ્ઠ સમાન છે. પૂ. લાલબાપુએ જગાવેલી દિવ્ય જયોતથી પ્રકાશીત થઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે પૂ. લાલબાપુ અને પૂ. રાજુભગત ૨૧ મહિનાની ગહન મંત્ર સાધના પૂર્ણ કરી બહાર પધારી રહ્યા હોવાથી ભાવિકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે.
છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ધાર્મિકકાર્યક્રમો દેશ વિદેશથી પધારેલા લાખો ભાવીકોએ માણ્યા હતા ચાર દિવસીય મહોત્સવમાં ભાવિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહોત્સવમાં ૩૬૦૦ સ્વયસેવકો સાથે ૧૦૦૦ સ્વયંસેવકો સ્ટેન્ડ બાય રખાયા છે. ૫૦૦થી ૬૦૦ વિઘા જમીનમાં આ મહોત્સવ ચાલી રહ્યો છે. સમગ્ર વિસ્તાર મહોત્સવ દરમિયાન ઝગમગી ઉઠ્યો છે. ૧૦૦ ફૂટની એક એવી ૧૦,૦૦૦ સીરીઝથી રોશનીનો ઝગમગાટ ફેલાયો છે. ૩૦ ફૂટ ઉંચા ૨૨ લાઈટ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહોત્સવમાં ૨૦-૧૦ની સાઈઝની ૭ એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે.