૨૨૪૦ પ્રિસાઈહીંગ ઓફિસર, ૬૩૪૧ પોલિંગ ઓફિસર ચૂંટણીમાં ફરજ બજાવશે: પોલીસ, અર્ધ લશ્કરી દળોનો ચાંપતો બંદોબસ્ત:
૨૪ સખી મતદાન કેન્દ્ર અને ૮ દિવ્યાંગ મતદાન કેન્દ્ર: મતદાન કેન્દ્રો ઉપર પાણી, છાંયડો, રેમ્પ જેવી ભૌતિક સુવિધાઓ
લોકશાહીના મહાઉત્સવ મતદાન દિનના આડે હવે કલાકો જ બાકી છે. તા. ૨૩ના રોજ ૧૦-રાજકોટ સંસદીય બેઠક માટે રાજકોટ જિલ્લાના ૨૨૪૦ મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી મતદાન પ્રક્રીયાને લગતી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિધાનસભાની બેઠક પ્રમાણે રોકાયેલા ચૂંટણીકર્મીઓ ઇવીએમ અને વીવીપેટ સાથે રવાના થયા હતા.
રાજકોટ જિલ્લામાં મતદાન પ્રક્રીયા સાથે સંકળાયેલા ચૂંટણીકર્મીઓની સંખ્યા જોઇએ તો ૨૨૪૦ પ્રિસાઇડિંગ ઓફિસર, ૨૨૪૦ પોલિંગ ઓફિસર ૧, ૬૯૫ પોલિંગ ઓફિસર અને ૩૪૦૬ મહિલા પોલિંગ ઓફિસર ચૂંટણીમાં ફરજ બજાવનાર છે. સાથે ૮૩૨ ચૂંટણીકર્મીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે, મતદારો કોઇ પણ ભય વિના મતદાન કરી શકે એ માટે રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા અર્ધ લશ્કરી દળોના સહયોગથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઝોનલ ઓફિસર, સેક્ટર ઓફિસર પોતાને ફાળવવામાં આવેલા રૂટના મતદાન મથકો ઉપર સતત નિગરાની રાખવાના છે.
પ્રત્યેક એ. સી. બેઠક દીઠ એક સખી મતદાન કેન્દ્ર ગોઠવવામાં આવ્યું છે. આ સખી મતદાન કેન્દ્રમાં સમગ્ર પ્રક્રીયાનું સંચાલન મહિલાઓ દ્વારા થશે. રાજકોટ જિલ્લામાં આવા ૨૪ સખી મતદાન કેન્દ્રો છે. જ્યારે, તમામ એ. સી. બેઠકમાં એક-એક મતદાન કેન્દ્રની તમામ પ્રક્રીયાનું દિવ્યાંગ કર્મચારીઓ સંચાલન કરવાના છે. મહિલા કર્મચારીઓને તેમના જ મતદાન વિસ્તારમાં ફરજ સોંપવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન. આર. ધાધલ સમગ્ર પ્રક્રીયાનું નિરીક્ષણ કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં ૧૧,૧૦,૩૬૩ પુરુષ, ૧૦,૨૩,૧૬૮ મહિલા અને ૨૬ થર્ડ જેન્ડર મતદારો મળી કૂલ ૨૧,૩૩,૫૫૭ મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરવાના છે. તે પૈકી ૪૦,૨૬૧ યુવામતદારો પ્રથમ વખત મતદાન કરશે. મતદાન કેન્દ્રો ઉપર પાણી, છાંયડો, રેમ્પ જેવી ભૌતિક સુવિધા ઉભી કરવામાં આવી છે. શાળાઓમાં અન્ય રૂમ મતદારો માટે ખોલી રાખવામાં આવશે. મતદારો મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કર્મચારીઓને અપાયેલું સરકારી ઓળખપત્ર, મનરેગા જોબકાર્ડ, સ્વાસ્થ્ય સ્માર્ટ કાર્ડ, ફોટો સહિતના પેન્શન દસ્તાવેજ અને બેંક પાસબૂક, પાનકાર્ડ, આધારકાર્ડ સહિતના ૧૨ ઓળખપત્રના આધારે મતદાન કરી શકાશે. આ ઓળખપત્ર ચૂંટણીપંચ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. મતદાન થકી જ લોકશાહી મજબૂત અને મહાન બને છે. લોકસભાની ચૂંટણીનો મહામૂલો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે, તમામ મતદારો પોતાને મળેલા અધિકારનો ઉપયોગ કરે એ જરૂરી છે.