- નિયો ફાઉન્ડેશન આયોજીત
- 85 વર્ષ જુનુ જલતરંગ અને જેમ્બે વાદ્યની જુગલબંધીથી કલારસિકો ઝુમી ઉઠયા
સપ્તસંગીતિ 2025 સંગીત સમારોહની શુભ શરુઆત પ્રથમ દિવસના પેટ્રન સિમ્પોલો ફાઉન્ડેશન, મોરબીના મનસુખભાઈ કૈલા, કામિલભાઈ તેમજ શુભેચ્છક ડો. સલોની શાહ અને ડો.નિર્ભય શાહના સહયોગથી સંભવિત થયો હોય, તેમના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સપ્તસંગીતિ કલામહોત્સવના પ્રથમ દિવસના કાર્યક્રમના પહેલા ચરણમાં અમદાવાદના સપ્તક સંગીત સમારોહના સ્થાપક અને સંચાલક તથા સપ્તસંગીતિના માર્ગદર્શક એવા સ્વ. વિદુષી મંજુબેન મહેતા કે જેઓનું તાજેતરમાં અવસાન થયેલ છે, તેમને શ્રધ્ધાંજલી આપવાના ઉદ્દેશથી સ્કૂલ ઓફ મ્યુઝિકના તેણીના આઠ શિષ્યોના વૃંદ દ્વારા સિતારવાદન, સંતુરવાદન અને તબલાવાદન રજુ કરીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદથી પધારેલ આ વૃંદ દ્વારા રાગ જનસંમોહિની ઉપર આધારિત સ્વ. મંજુબેન દ્વારા સ્વરબધ્ધ કરેલી રચના વિલંબિત અને દ્રુત તીનાતાલમાં સંતુર, સિતાર, પખવાજ અને તબલા સાથે ખુબ સુંદર રીતે રજૂ કરી હતી.
કાર્યક્રમના બીજા સેશનની શરુઆત કલર્સ ઓફ રિધમ ગ્રુપના કલાકારો એવા વિશ્વ વિખ્યાત સંગીતકાર અને તબલા નવાઝ સ્વ. ઉસ્તાદ ઝાકિર હુસૈનજીના અનુજબંધુ ઉસ્તાદ તૌફીક કુરેશીના જેમ્બે, તાલયોગી પં. સુરેશ તલવલકારજીના વરિષ્ઠ શિષ્ય પં. રામદાસ પલસૂલેના તબલા વાદન અને શ્રી મિલિંદ તુલેંકરના હાર્મોનિયમવાદન પર સ્વ. ઉ. ઝાકીર હુસૈનજીને શ્રધ્ધાંજલી આપવા જુગલબંદી પેશ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શ્રોતાગણથી ભરેલું સભાગૃહ જોઈ ઉસ્તાદ તૌફિક કુરશી એ અત્યંત ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે રાજકોટનો તેઓનો આ પ્રથમ અનુભવ ખરેખર યાદગાર રહેશે. તેમણે સ્પેનિશ અને લેટિન ભાષામાં ઓળખાતી “બોસનોવા” રીધમ રજુ કરી શ્રોતાઓને તાલીના તાલ સાથે વધાવવા મજબુર કરી દીધા હતા. તબલામાં એકલ પ્રસ્તુતિમાં નિયમોના ભાગરૂપે રજૂ કરવામાં આવતી કાયદાની પ્રસ્તુતિ બોલ સાથે રજૂ કરી હતી. ઉસ્તાદ તોફીક કુરેશી અને ઉસ્તાદ રામદાસ પલસુલે સ્વ. ઝાકિર હુસૈન અને ઉસ્તાદ અલ્લારખાજીની પ્રિય અને યાદગાર રચનાઓ રજૂ કરી ખરા અર્થમાં તાલ થકી અંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત ઉ. તૌફિકજી એ ચક્રધાર ફરમાઈશી રજૂઆત કરી હતી. તબલા અને જેમ્બે ની જુગલબંધીએ શ્રોતાઓને પોતાના તાલ પર તાલી પાડવા મજબૂર કરી દીધા હતા. ઉસ્તાદ તોફીક કુરેશી એ તેમની ફૂંકથી તાલના બોલ રજુ કરીને ફેફસાની તાકાતની પરીક્ષા થઈ જાય તેવું જાનદાર પ્રદર્શન કર્યું હતું.
મધ્યસભાએ રાજકોટમાં સંભવત પ્રથમવાર મિલિંદ તુલેંકરજી એ તેમના નાનાજીની પરંપરાથી ચાલ્યું આવતું 85 વર્ષ જૂનું જલતરંગ વગાડી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જલતરંગ વાદ્યથી અજાણ્યા શ્રોતાઓને તેનો પરિચય આપવા માટે જલ તરંગની બનાવટ અને જાળવણીની ઝીણવટભરી માહિતી આપી શ્રોતાઓને તેના જલતરંગ સાથે એક્ય સાધવાની તક આપી હતી. બોલીવુડનું પ્રખ્યાત દિલ હે છોટા સા વગાડી શ્રોતાગણને આનંદિત કરી દીધા હતા. અનેક વાદ્યોની જાણકારી ધરાવતા મિલીંદે તેની અન્ય પેશકશમાં અલભ્ય રાજસ્થાની વાદ્ય મોર્સીંગ રજુ કર્યું હતું, જેમાં ઉ. કુરેશી એ બોલમાં સાથ આપ્યો હતો. મિલિંદજીએ જલતરંગ પર રાગ જોગને જોડ, ઝાલા, તાલ સાથે વિલંબિત એકતાલમાં રજૂ કર્યો હતો અને ત્યારબાદ હળવા સંગીતમાં તેણે એ. આર. રહેમાનના જુદા જુદા ગીતોની ઝલક જલતરંગમાં દર્શાવી હતી. સભાના અંતભાગમાં શ્રોતાઓની ફરમાઈશ પર રાગ ભૈરવી આધારિત જુના ફિલ્મી પ્રચલિત ગીતોથી સભાનું સમાપન કર્યું હતું. પ્રથમ દિવસની સભાના અંતે સૌ કોઈ રાષ્ટ્રગાન પૂર્ણ કરી અને સભાખંડની અદભુત, વિવિધ, વૈવિધ્યસભર રચનાઓ અને પેશકશના સંસ્મરણો વાગોળતા છૂટા પડયા હતા.
આજે નંદિનીશંકર- મહેશ રાઘવનની વાયોલીન અને આઇપેડની જુગલબંધી ઘુમ મચાવશે
સપ્તસંગીતિ 2025 કલા મહોત્સમાં આજે નંદિની શંકર (વાયોલિન): પ્રખ્યાત વાયોલિન વાદિકા ડો.એન રાજમ જીના પૌત્રી નંદિની શંકર વાયોલિન પર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ફ્યુઝન મ્યુઝિકમાં મજબુત પકડ ધરાવે છે. તેણીએ ફકત ત્રણ વર્ષની ઉંમરે સંગીતની તાલીમ મેળવવાનું શરૂ કર્યું અને માત્ર આઠ વર્ષની ઉંમરે જાહેર કાર્યક્રમ આપવાની શરૂઆત કરી હતી. તેમણે માસ્ટર ઇન મ્યુઝિકની સાથે સાથે સી.એ. નો અભ્યાસ પણ કર્યો છે. તેણીએ યુ.એસ.એ, કેનેડા, જર્મની અને ન્યુઝીલેન્ડ વગેરે દેશો કલા પ્રસ્તુત કરી છે. તેણી ભારતના પ્રથમ ઓલ ગર્લ બેન્ડ સખીના કલાકાર રહી ચૂક્યા છે. તેમણે વિદુષી કૌશિકી ચક્રવર્તી સાથે અનેક કાર્યક્રમો આપ્યા છે. હાલમાં તેઓ નિયમિત રીતે મહેશ રાઘવનજી સાથે પણ વાયોલિન જુગલબંદી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના નાનીમા, માતુશ્રી અને બહેન રાગીની સાથે મળીને થ્રી જનરેશનસ ઓફ વાયોલિનના અનેક કાર્યક્રમમાં કલા પ્રસ્તુત કરેલી છે. તેમજ વિદુષી કૌશિકી ચક્રવર્તી સાથે અનેક કાર્યક્રમો આપ્યા છે.
મહેશ રાઘવન (આઈપેડ):શ્રી મહેશ રાધવન કર્ણાટકી અને હિંદુસ્તાની બન્ને શાસ્ત્રીય સંગીત શૈલી સાથે ફ્યુઝન સંગીતમાં પણ મહારથ ધરાવે છે. તેમણે એમ.એસ.સી ઈન ડિજીટલ ક્મ્પોઝીશન એન્ડ પર્ફોર્મન્સનો અભ્યાસ યુ.કે. થી કરેલો છે. તેમણે રંજની-ગાયત્રી, અરુણા સાઈરામ, ઉન્નીક્રીશનન તથા એમ.બી. સુબ્રમણ્યમ જેવા કલાકારો સાથે કલા પ્રસ્તુતિ કરી છે. તેઓ સોશિયલ મીડિયા પર છ લાખથી પણ વધુ ફેન ફોલોઇંગ ધરવાનાર યુથ આયકોન છે.
સૌરાષ્ટ્રની યુવા પ્રતિભા સાથે વાતાર્લાપ કરતા દિગ્ગજ કલાકાર પં. સાજન મિશ્રા
સપ્તસંગિતીના પાયાના ઉદ્દેશો પૈકીના એક આશય- યુવાઓમાં આપણી સંસ્કૃતિના વારસા સમાન શાસ્ત્રીય સંગીત સાથે યુવાઓને જોડવા માટે આજે હિંદુસ્તાની સંગીતના દિગ્ગજ કલાકાર પં. સાજન મિશ્રાજીએ રાજકોટ ખાતે સૌરાષ્ટ્રની યુવા પ્રતિભાઓ સાથે વાર્તાલાપ કરી તેમને માર્ગદર્શન પુરુ પાડયું હતું.
સપ્તસંગિતીના બીજા દિવસના કલાકાર બનારસ ઘરાના સાથે જોડાયેલા પદ્મભુષણ પં.સાજન મિશ્રા અને તેમના પુત્ર સ્વરાંશ મિશ્રા રાજકોટના મહેમાન બન્યા છે. તેઓની મધુર ગાયકીમાં સંકળાયેલી સ્વરોની જટીલ સર્જનાત્મકતા તેમની સમૃધ્ધ તાલીમ અને સુવ્યવસ્થાને પ્રદર્શીત કરે છે. આજે સવારે આ દિગ્ગજ કલાકાર રાજકોટ 150 ફુટ રોડ પર સ્થિત ફોચ્ર્યુન હોટલ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના વ્યસ્ત દિવસમાં તેમણે રાજકોટના યુવા કલાસાધકો સાથે સંવાદ કરવાની તૈયારી આયોજકોને બતાવતા સવારથી રાહ જોઇને બેઠેલા સંગીતના
યુવા વિદ્યાર્થીઓ અને આયોજકોમાં ખુશીની લહેર છવાઇ ગઈ હતી.
રાજકોટ અને સૌરાષ્ટ્રના અંદાજે 30 થી 40 વિદ્યાર્થીઓ આ સંવાદ સેશનમાં જોડાયા હતા. પંડીતજીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સંગીત શીખવા કેવા સમર્પણ ભાવ જોઇએ, વિદ્યાર્થીમાં ગુરુભક્તિ કેવી હોવી જોઇએ, સંગીતમાં એકેડમીક પદ્ધતિ તેમજ ગુરુ-શિષ્ય પરંપરા વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો.
વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપમાં તેમને સંગીત ક્ષેત્રે આગળ વધવામાં મુંજવતા પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. સાચા સુરની સમજ, સ્વર જ્ઞાન કેવી રીતે કેળવવું, વગેરે બાબતો તેમજ તેમના જીવનના અનુભવો પણ તેમણે વિદ્યાર્થેઓ સમક્ષ વર્ણાવ્યા હતા. તેમણે એ બાબત પર પણ ભાર મુક્યો કે સમાજમાં અને લોકોમાંથી ગુનાહીત વિચારો દુર કરવા માટે તેમને સંગીત તરફ વાળવા જોઇએ, જે સ્વસ્થ મન અને સકારાત્મકતા ઉર્જા આપવામાં મદદરુપ બનશે. તેમણે સંગીતના વિદ્યાર્થીઓને સંગીતના પ્રચાર અને જે લોકોને રસ છે, તેમનામાં શાસ્ત્રીય સંગીતની સમજ કેળવાય તે માટે પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે આપણી શિક્ષણનીતિમાં સંગીત વિષયને પ્રાથમિક શિક્ષણથી જ ફરજીયાત બનાવવા પર ભાર મુકયો હતો. તેમણે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓમાં ચલાવવામાં આવતા શિક્ષણના પ્રોજેકટની પણ સરાહના કરી હતી. સાથે જ હાલમાં નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા આ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને સંગીત તરફ વાળવા નિ:શુલ્ક સંગીતના વર્ગો શરુ કરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરી તે પ્રોજેક્ટને પણ ખુબ બિરદાવ્યો હતો.