ધર્મની રક્ષા કાજે હંમેશા લડતા રહીશું : જેલ મુક્ત થયાં બાદ કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન
ઉનામાં ભડકાઉ ભાષણ આપવા બદલ જુનાગઢ જેલમાં રહેલા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર થતા તેઓ સાંજે જેલમાંથી મુક્ત થતાની સાથે જ ઠેર ઠેર ઉજવણીનો માહોલ જામ્યો હતો. જામનગરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જેલમાંથી બહાર આવતાની સાથે જ કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે, ધર્મની રક્ષા માટે સામાજિક કાર્ય કરીએ છીએ અને કરતા રહીશું, હું ઘરે નહીં બેસું, સતત જેહાદી પ્રવૃત્તિઓ અને ધર્માંતરણ સામે લડતી રહીશ.
જામનગરના વતની કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ રામનવમી પર્વ નિમિત્તે ઉનામાં ભડકાઉ ભાષણ આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં કાજલ હિન્દુસ્તાનીને ઉના સેશન્સ કોર્ટે શરતી રેગ્યુલર જામીન આપ્યા છે.
કાજલ હિન્દુસ્તાની જુનાગઢ જેલમાંથી મુક્ત થઈને બહાર આવતાની સાથે જ જેલની બહાર ફુલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ તકે કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને ન્યાયતંત્ર ઉપર પહેલેથી જ વિશ્વાસ હતો. મને ખબર છે કે મેં ક્યારેય મારા જીવનમાં કાંઈ પણ ખોટું કામ કર્યું નથી.
હું ક્યારેય સંવિધાનના વિરુદ્ધમાં ગઈ નથી. હું મારી વાત ઉપર અડગ હતી એટલે જ મેં ક્યારેય આગોતરા જામીન મુક્યા નથી. હું સામેથી હાજર થઈ છું, મને વિશ્વાસ હતો કે મને ન્યાય મળવાનો જ છે અને મને ન્યાય મળ્યો અને આજે હું બધાની સમક્ષ ઉભી છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, બધા પોતપોતાનું કાર્ય કરતા હોય છે તેવી જ રીતે હું પણ મારું કાર્ય કરી રહી છું અને આગામી દિવસોમાં પણ હું મારું કાર્ય બમણા જુસ્સાથી કરતી રહીશ. ધર્માંતરણ અને જેહાદી પ્રવૃત્તિઓ સામે જાગૃતતા લાવવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.
હિન્દુ સેના દ્વારા જેહાદી પ્રવૃતિ સામે મુહિમ ચલાવાશે: પ્રતિક ભટ્ટ
ધર્માપત્તર સહિત જેહાદી પ્રવૃતિ સામે હિન્દુ સેના દ્વારા રાજયભરમાં જાગૃતતા માટે મુહિમ ચલાવશે. આ અંગે ગુજરાત પ્રદેશ હિન્દુ સંગઠનના પ્રમુખ પ્રતિક ભટ્ટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજયમાં ચાલતી લવ અને ધર્માણત્તર જેહાદી પ્રવૃતિ સામે રાજયભરમાં જાગૃતતા લાવવામાં આવશે. આ અંગે મુળ રાજસ્થાન અને જામનગર ખાતે સાસરૂ ધરાવતા કાજલબેન હિન્દુસ્તાની ના પુરતો સહયોગ મળી રહ્યો છે.
કાજલબેન હિન્દુસ્તાનીને રાજયભરમાં અલગ અલગ સંસ્થા દ્વારા બોલાવવામાં આવે છે. ત્યાં જેહાદી પ્રવૃતિ કરતા તત્વો અંગે જાગૃતતા લાવવા અંગે માર્ગદર્શન આપે છે. આ અંગે આવનાર દિવસોમાં હિન્દુ સેના દ્વારા રાજયભરમાં જેહાદી પ્રવૃતિ સામે મુહિમ ચલાવવામાં આવશે.
કાજલ હિન્દુસ્તાની જેલ મુક્ત થતાં હિન્દુ સંગઠનો દ્વારા ઉજવણી
રામ નવમીના તહેવાર પર કાજલ હિન્દુસ્તાની એ ઉના ખાતે એક જાહેર સભામાં ભાષણ કર્યું હતું. આ ભાષણ મુદ્દે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાજલ હિન્દુસ્તાનની ધરપકડ કરી હતી. બાદમાં કાજલ હિન્દુસ્તાની ના જામીન ના મંજુર કરી જૂનાગઢ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે આજરોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરાતાં જામનગર પંચેશ્વર ટાવર ખાતે હિન્દુ સેના, વી હી પ, બજરંગ દળ, દુર્ગાવાહિની, હિન્દુ જાગરણ મંચ,વી વી ચેરીટેબલ ટ્રસ્ટ, નારી ગુંજ, બ્રહ્મદેવ સમાજ વગેરે હિન્દુ સંગઠનો ના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, અને ફટાકડા ફોડી તેમજ પેંડા વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.