• પિતા ધંધામાં માતા રીલ બનાવવામાં અને સગીર દીકરીઓ બોયફ્રેન્ડ સ્વેપિંગમાં વ્યસ્ત
  • પાટીદાર અગ્રણી મનોજ પનારાએ યુટ્યુબમાં અપલોડ થયેલા વીડિયો મામલે પોલીસમાં અરજી કરી

કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ સુરતમાં એક કાર્યક્રમમાં મોરબીની સાત પાટીદાર સમાજની દીકરીઓ વિષે અત્યંત હિનકક્ષાના આક્ષેપો કરી પિતા બિઝનેશમાં, માતા રીલ બનાવવામાં અને સગીર દીકરીઓ બોયફ્રેન્ડ સ્વેપિંગમાં વ્યસ્ત બની હોવાનું અને આ સાતેય છોકરીઓએ મળી મુસ્લિમ સમાજના બોયફ્રેન્ડને 40 લાખની ગાડી લઈ દીધાનો સનસનીખેજ આરોપ લગાવતા મોરબીના પૂર્વ પાસ અગ્રણી અને પાટીદાર સમાજના કોંગ્રેસના આગેવાને કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મનોજ પનારાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે કરેલી અરજી બાદ જણાવ્યું હતું કે અગાઉ મોરબી તેમજ ઉનામાં કોમીલાગણી ભડકાવનાર કાજલ હિન્દુસ્તાનીને મોટાભાગના પાટીદાર સમાજના કાર્યક્રમોમાં જ બોલાવવામાં આવતી હોય છે ત્યારે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ વિષે કરેલા બેફામ વાણી વિલાસમાં કોઈ વજૂદ ન હોવા છતાં પાયા વગરના આક્ષેપો કરાયા છે ત્યારે કાજલ હિન્દુસ્તાનીને પાટીદાર સમાજની માફી માંગવી જોઈએ અને જો માફી ન માગે તો હવે ગામેગામથી એફઆરઆઇ દાખલ કરવાની સાથે ગુજરાત હાઇકોર્ટમાં પણ વિવાદ કરવા ટેવાયેલી આ મહિલાના ભાષણ ઉપર રોક લગાવવા ન્યાયની દાદ માંગવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

તેજાબી ભાષણો કરી સતત વિવાદમાં ઘેરાયેલી રહેતી વિવાદિત કાજલ હિન્દુસ્તાનીએ તાજેતરમાં સુરત ખાતેના એક કાર્યક્રમમાં મોરબીની પાટીદાર સમાજની સાત દીકરીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સગીરવયની મોરબીની પાટીદાર સમાજની છોકરીઓ મુસ્લિમ બોય ફ્રેન્ડ રાખ્યા છે અને આ બોયફ્રેન્ડની અંદરોઅંદર સ્વેપિંગ કરવાંમાં આવે છે. સાથે જ આ છોકરીઓના પિતા બિઝનેશમાં માતાઓ રીલ બનાવવામાં વ્યસ્ત હોય ઘરમાં પડેલા રૂપિયામાંથી આ છોકરીઓએ પાંચ-પાંચ લાખ ભેગા કરી મુસ્લિમ બોયફ્રેન્ડને 40 લાખની ગાડી લઈ આપી હોવાનો ચોંકાવનારો આરોપ લગાવતા મોરબીના પાટીદાર સમાજમાં રોષ છવાયો છે.

બીજી તરફ મોરબી સીટી એ ડીવીજન પોલીસે જણાવ્યું હતું કે આ બનાવ અંગેની લેખિત અરજી લઇ લીધી છે, બનાવ આપણી હદ વિસ્તારમાં બન્યો નથી. બનાવ સુરત બનેલ હોય એટલે ત્યાં અરજી ટ્રાન્સફર કરી આપીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.