મજૂરો પાસ ઈસ્યુની માંગ સાથે હડતાલ પર ઉતરી જતા યાર્ડના સત્તાધીશોએ પોલીસ સાથે સંકલન સાધી મામલો થાળે પાડ્યો
સમગ્ર રાજકોટ જિલ્લામાં કોરોનાને પગલે રાત્રી કફર્યુંની ચુસ્તપણે અમલવારી કરાવાઈ રહી છે. ત્યારે ગઈકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડના મજૂરો પોતાનું કામ પતાવી રાત્રીનાં 9 વાગ્યા બાદ પોતાનાઘરે જઈ રહ્યા હોય તે દરમ્યાન અગાઉના પાસ હોવા છતાં પોલીસે મજૂરોને રોકતા આજે સવારે માર્કેટીંગ યાર્ડ ખાતે તમામ મજૂરોએ રાત્રીનાં 8 વાગ્યા સુધી જ કામ કરવાનું જણાવતા આજે સવારે મગફળીની હરરાજી સીમીત રહી હતી. વિગત મુજબ ગઈકાલે યાર્ડના બે ત્રણ મજૂરોને પોલીસે રોકયા હતા. અગાઉ મજૂરો માટે કઢાવેલા પાસ પોલીસે માન્ય ન ગણી રકઝક કરી જાણતા અજાણતા મજૂરોને રોકયા હતા. જેથી આજે સવારે યાર્ડના તમામ મજૂરોએ રાત્રીના 8 વાગ્યા સુધી જ કામ કરવાનો નિર્ણય લેતા. રાત્રીનાં 8 વાગ્યા સુધી જ વેચાણ થાય તેટલી જ મગફળીની હરરાજી થવા પામી હતી. જો કે યાર્ડના સત્તાધીશોએ પોલીસ સાથે સંકલન સાધી તમામ મજૂરોના પાસ એકત્ર કરી પોલીસ સ્ટેશનનો સિક્કો મારી પાસ કાયદેસર બનાવાયાં છે. આ પાસ થકી મજૂરોને રાત્રીના અવર-જવર દરમિયાન કોઈ મુશ્કેલી નહીં રહે.
પાસમાં પોલીસનો સિક્કો લાગતા હવે મુશ્કેલી નહીં સર્જાય: ડી.કે.સખીયા
માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી હતી. જેના અનુસંધાને એક દિવસ પહેલા એસીપી ટંડેલ સાથે યાર્ડ ખાતે મીટીંગ કરી હતી. જેમાં દરેક મજૂરને પાસ આપવાનું કહેવામાં આવ્યું હતું. પણ ગેરસમજને કારણે રાત્રે મજૂર નીકળા હતા અને તેમને પકડી લેવામાં આવ્યા તેમજ આ પાસ ન ચાલે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે આ વાતનું સમાધાન થઈ ગયું છે. પી.આઈ. વાળા સાથે વાતચીત થયા મુજબ હવે પાસની બાજુમાં પોલીસ સ્ટેશનનો સિક્કો મારવામાં આવશે જેથી કરીને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય મોડી રાત્રે સુધી માલ ભરાતો હોય અને મજૂરને મોડુ થાય તે માટે પાસ કઢાવી અપાયા છે.