કોઠારીયામાં ગેરકાયદે થયેલા બાંધકામો ઉપર પ્રાંતનું મેગા ડિમોલીશન: દબાણ કરનારા અને દબાણ કરાવનારા ઉપર તંત્ર તૂટી પડશે
કોઠારીયા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ જેટલા શેડ તોડી પાડીને રૂ. ૩૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ જમીન ઉપર દબાણ કરનારા અને દબાણ કરાવનારાઓ ઉપર તંત્ર તુટી પડશે તે નકકી છે. ઉપરાંત જો તંત્ર ઉંડુ ઉતરશે અનેક માથાઓના નામ પણ આ દબાણ પ્રકરણમાં સામે આવશે. આ પ્રકરણમાં બોગસ ફાઈલો પણ હોય જે તપાસમાં બહાર આવતા અનેક કડાકા-ભડાકા થવાના છે. આ જમીનમાં સૂચિતના નામે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટેલો છે. તત્વોએ ઘરે બેઠા પ્લોટ સબ પ્લોટ પાડી તંત્રને જાણે ખુલ્લો પડકાર ફેંકયો છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચના અને અધિક કલેકટર પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને મામલતદાર કઠીરિયાની ટીમ દ્વારા રાજકોટ તાલુકાના કોઠારીયા ગામના સર્વે નંબર ૩૫૨ પૈકીની સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ જેટલા નાના મોટા શેડ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં સર્કલ ઓફિસર જીતેન્દ્ર દેકાવડીયા, નાયબ મામલતદાર મહેન્દ્રસિંહ જડેજા, તલાટી કેવિન હાંસલીયા, પવન પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વસીમ રિઝવી તથા આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કડછા રોકાયેલ હતા.
દબાણો દૂર કરવા હવેથી દર અઠવાડિયે ડ્રાઇવ યોજાશે : પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ
સિટી-૨ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે સિટી-૨ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ માટે તેઓની ટીમ દ્વારા દર અઠવાડિયે ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે. આ ડ્રાઇવ દરમિયાન તપાસ હાથ ધરી ગેરકાયદે દબાણો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે
દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરાશે
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે સરકારી જમીન ઉપર જે કોઈ વ્યક્તિ દ્વારા દબાણ કરેલું ધ્યાનમાં આવશે તો તે દબાણ તોડી પાડવામાં આવશે અને દબાણકર્તા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હવે સરકારી જમીનો ઉપર કબજો જમાવી બેઠેલા તત્વો સામેથી જ પોતાનો કબજો છોડવા લાગે તો નવાઈ નહિ.