8 કિલો વાસી માવો અને 10 કિલો કસ્ટર્ડ પાવડર મિશ્રિત રબડીનો નાશ: કોઠારિયા સોલવન્ટ પાસે જૈન ફ્રૂડ્સમાંથી 40 કિલો દાઝ્યુ તેલ મળી આવી
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના સામાકાંઠા વિસ્તારમાં પટેલ વાડી પાસે પેડક રોડ પર આઝાદ હિન્દ ગોલાવાળાને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવતા 8 કિલો વાસી માવો અને 10 કિલો કસ્ટર્ડ પાવડરયુક્ત રબડીનો નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજેનીંક જાળવવા માટે સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્ટ પાસે દ્વારકેશ ગૌશાળા પાછળ જૈન ફૂડ્સમાં તપાસ દરમિયાન મળી આવેલા 40 કિલો દાઝ્યા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા શહેરના રેલનગર અને પોપટપરા વિસ્તારમાં અલગ-અલગ 14 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઠંડા-પીણા, દૂધ અને મસાલા સહિત 19 નમૂનાઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. મંગળા રોડ અને વિદ્યાનગર મેઇન રોડ પર 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાંચ પેઢીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. જામનગર રોડ ભોમેશ્ર્વર સોસાયટી કોર્નર ખાતે ભોમેશ્ર્વર મંદિરની સામે શ્રીરામ ડેરીમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે રેલનગર પેટ્રોલ પંપની બાજુમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં શોપ નં.14 અને 15માં આવેલી જય સોમનાથ ડેરીફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો.
શહેરના નામી ગોલાવાળાઓને ત્યાં અગાઉ પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. પેડક રોડ પર આઝાદ હિન્દ ગોલાવાળાને ત્યાં ચેકીંગ દરમિયાન આજે પણ 18 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.