અબતક, રાજકોટ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના લીમડા ચોકમાં મરાઝા હોસ્પિટાલીટી (હોટેલ) સરોવર પોર્ટીકોમાંથી 16 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો હતો. જેનો નાશ કરી હાઇજીંગ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત દર્શન ઝેરોક્ષમાંથી 10 લીટર એક્સપાયર ઠંડાપીણાનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. બે સ્થળેથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતાં.
16 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો: બે સ્થળેથી દૂધના નમૂના લેવાયાં
આજે જનસત્તા ચોકથી ત્રિકોણ બાગના વિસ્તારમાં અલગ-અલગ 27 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 13 લીટર એક્સપાયર થયેલો કોલ્ડ્રીંક્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 27 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. ભીલવાસ રોડ પર નકલંક ડેરી ફાર્મમાંથી અને લાખના બંગલાવાળા રોડ પર માતૃછાયા ડેરી ફાર્મમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.
હોટેલ સરોવર પોર્ટીકો, દર્પણ ઝેરોક્ષ, વ્યંકટેશન મેડીકલ સ્ટોર, બોમ્બે પાન હાઉસ, જયેશ સ્વીટ માર્ટ, ગણેશ જનરલ સ્ટોર, જે.કે. પાન, યશ મેડીકલ સ્ટોર, ગઢવી પાન, આશાપુરા પાન અને વિશાલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સને લાઇસન્સ સબબ નોટિસ આપવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓ વ્હીકલ વાન દ્વારા ઇસ્ટ ઝોનમાં પેડક રોડ પર ગાયત્રી ફરસાણ, બાલાજી ફરસાણ, વીર બાલાજી ફરસાણ, ભગવતી ફરસાણ, શ્રીજી ગાંઠીયા, જય બાલાજી ફરસાણ, જનતા તાવડો, જય ભેરુનાથ નમકીન, શ્રીનાથજી ફરસાણ, ન્યૂ ભારત ફરસાણ, જલારામ ફરસાણમાં ખાદ્ય તેલની ટીપીસી વેલ્યુ ચકાસવા માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સોલીડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા સબબ અને ગંદકી કરવા સબબ 17 આસામીઓને પાસેથી રૂા.5000 જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા સબબ અને તેનો ઉપયોગ સબબ એક આસામી પાસે રૂા.200નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.