અબોલ જીવોના મોતનુ કારણ સ્વચ્છતાનો અભાવ, સારવારની ક્ષતિ કે કોર્પોરેશનની બેદરકારી
દડીયા સરપંચનું અલ્ટીમેટમ સાત દિવસમાં સ્થિતિ નહી સુધરે તો પશુઓને છોડી મુકાશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુઓના ડબ્બાનુ સંચાલન ખુબ જ બેદરકારીથી કરવામાં આવી રહ્યું હોય કોર્પોરેશન હસ્તકના ઢોર ડબ્બાઓમાં પશુઓના મોત થઇ રહ્યા છે. આ મુદ્દે દડીયા ગ્રામપંચાયતના સરપંચનું લોહી ઉકળી ઉઠતાં તેઓએ કડક શબ્દમાં મહાનગરપાલિકાના કમિશ્ર્નરને સત્તાવાર પત્ર લખ્યો છે અને જો આગામી 7 દિવસમાં મહાનગરપાલિકાની કામગીરીમાં આ મુદ્દે સુધારો નહીં આવે તો ઢોરના આ ડબ્બામાંથી તમામ પશુઓને મુકત કરવામાં આવશે એવી ચિમકી પણ આપી છે.
જામનગર મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાના નેજા હેઠળ પશુઓ પાછળ કોર્પોરેશન દર વર્ષે કરદાતાઓના લાખો રૂપિયાનો ખર્ચ કરે છે આમ છતાં, એક તરફ શહેરમાં રખડતાં પશુઓની રાડ છે બીજી તરફ મહાનગરપાલિકા સંચાલીત પશુઓના ડબ્બામાં અબોલ પશુઓ કમોતે મોતને ભેટી રહ્યા છે. આ મુદ્દે અવાર-નવાર શહેરમાં જબરો ઉહાપોહ પણ મચે છે.
ઘણી વખત વિપક્ષના સભ્યોએ પણ કોર્પોરેશનની આંખ ઉઘાડવા માટે કાર્યક્રમો પણ આપ્યા છે, વિરોધ પણ નોંધાવ્યો છે અને પશુઓના ડબ્બામાં જનતા રેઇડ પણ કરી છે. આ ઉપરાંત શહેર-જિલ્લાના મિડીયા દ્વારા પણ એક કરતાં વધુ વખત પશુઓના ડબ્બામાં મહાનગરપાલિકા દ્વારા આચરવામાં આવતી બેદરકારીનો પણ ઘણી વખત પર્દાફાશ કરવામાં આવ્યો છે. આટલું આટલુ થવા છતાં મહાનગરપાલિકાની આ શાખા સુધરવાનુ નામ લેતી નથી.
રણજીતસાગત નજીક આવેલા ઢોરના ડબ્બાની બાજુમાં દડીયા ગામ આવેલું છે આ ગામના સરપંચ રાજેશભાઇ લખીયરે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અમારા ગામ નજીક આવેલા મહાનગર પાલિકા સંચાલીત પશુઓના ડબ્બામાં મહાનગરપાલિકાની ઘોરબેદરકારીના કારણે રોજ 5-7 પશુઓના કમોતે મોત થઇ રહ્યા છે. જેને હિસાબે અબોલ પશુઓ પ્રત્યે જીવદયા ધરાવતાં સેંકડો લોકોની લાગણી દુભાઇ રહી છે. આ પશુઓના મોત અપુરતા ઘાસચારાને લીધે તેમજ સ્વચ્છતાના અભાવને લીધે ઉપરાંત ઢોરના ડબ્બામાં પાણીની પુરતી વ્યવસ્થા ન હોવાને કારણે તથા પશુઓને ખાસ કરીને બિમાર પશુઓને નિયમીત રીતે અને વ્યવસ્થીત રીતે જે મેડીકલ સારવાર મળવી જોઇએ તે સારવાર આપવામાં આવતી ન હોય પશુઓના મોત થઇ રહ્યા છે.
હાલમાં પવિત્ર પરષોતમ મહીનો ચાલી રહ્યો છે અને બીજી તરફ ઢોરના આ ડબ્બામાં ઉપરા ઉપરી મોત થઇ રહ્યા હોય લોકોની લાગણીને ખૂબ જ ઠેસ પહોંચી રહી છે તેથી ગ્રામજનો વતી સરપંચના હોદ્દાની રૂએ અમો આ પત્ર કોર્પોરેશનના વડા તરીકે આપને પાઠવી રહ્યા છીએ. આગામી 7 દિવસમાં જો આ પ્રશ્ર્નનો નિકાલ કરવામાં નહીં આવે તો દડીયા ગામના ગ્રામજનો સરપંચની આગેવાની હેઠળ ઢોરના આ ડબ્બામાંથી તમામ પશુઓને મુકત કરી દેશે. આ ચેતવણીને ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવી છે.