૫મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં ફિલ્મ રીલીઝ થશે
ફિલ્મની ક્રિએટિવ ટીમ ‘અબતક’નાં આંગણે
આગામી ૫ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ ‘ધાડ’ રીલીઝ થઈ રહી છે. જે કચ્છની ભૂમિ ઉપર રહેતા ધાડપાડુઓના જીવન ઉપર આધારીત છે. દુકાળની સ્થિતિમાં ધાડપાડુઓ કેમ જીવતા તે વર્ણવાયુ છે.
ફિલ્મનું મુખ્ય પાત્ર છે ઘેલો અને તેની ૩ પત્ની મોંઘી (નંદિતા દાસ), ધનબાઈ (સુજાતા મહેતા) અને રત્ની (સમીરા અવસ્થી) ૩ પત્ની છતાં તેઓ નિ:સંતાન છે. આ ફિલ્મનું શુટિંગ અબડાસા, માંડવી જખૌ ભચાઉમાં થયું છે.
ફિલ્મના નિર્માતા કિર્તી ખત્રી છે. ડાયરેકટર પરેશ નાયક છે. મ્યુઝિક વનરાજ ભાટિયાનું છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં નંદિતા દાસ, સુજાતા મહેતા, સમીરા અવસ્થી, સંદીપ કુલકર્ણી, રઘુવીર યાદવ, ભીમ વાકાણી વિગેરે સામેલ છે. જયંત ખત્રી ફિલ્મ્સ ફાઉન્ડેશનની ગુજરાતી ફિચર ફિલ્મ “ધાડ ખરેખર જોવા જેવી છે.
‘અબતક’ની મુલાકાતે આવેલા ડાયરેકટર પરેશ નાયકે જણાવ્યું હતું કે, ભાગ્યે જ કોઈ ફિલ્મની નિર્માણ પ્રક્રિયાનો અંતિમ તબક્કો ધાડ જેટલો પ્રલંબ, પીડાદાયક, મુશ્કેલી ભર્યો ને તોય દીલચસ્પ અને રોમાંચક રહ્યો હશે. દિગ્દર્શક તરીકે મારે છેક ફિલ્મની રીલીઝની કામગીરી સુધી સીધે સીધા એમાં કેપ્ટન-ઓફ-ધ-શીપ હોવાના નાતે અગ્રેસર રહેવાનું બન્યું એની વિગતસર ગાથા મારા આગામી પુસ્તક ફીલ્લમફેરીમાં દર્જ હશે.
૨૦૦૩ સાલમાં ફિલ્મનો અંક સળંગ કટ તૈયાર થયો. પણ ત્યાં સુધી ફાઈનાન્સની સ્થિતિ ડામાડોળ જ હતી. નિર્માતા કીર્તિ ખત્રી અને હું, આ અંગે જયાં જયાંથી બિનશરતી લોન કે અનુદાન મળે તે માટે ફિલ્મના અન્ગ્રેડેડ રગકટના અંશો બતાવી એ માટે પ્રયાસ કરતા હતા અને લોકભાગીદારીની રાહે આમાં ટીપેટીપે મદદ મળતી હતી. તેમ તેમ ધીમે ધીમે કામ આગળ વધતું હતું.
આ દરમ્યાન બે હજાર નવની સાલમાં ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા કેટલાક વધુ અનુભવી ફિલ્મકારોની સલાહથી મનેકમને આ ફિલ્મ પેલી અન્ગ્રેડેડ પ્રીન્ટ વડે જ સેન્સર કરાવી. આશા હતી કે સરકારી સબ્સીડી મળશે તો નેગેટીવનું ગ્રેડીંગ ને કલર-કરેકશન કરાવી આખરી પ્રીન્ટ તૈયાર કરાવી વિતરણ કરી શકીશું.
પરંતુ સરકારી દફતરોમાં તે વર્ષોમાં વિધિસર સન્સીડી મેળવવાની પ્રક્રિયા અત્યંત કપરી અને મારા તેમજ કિર્તીભાઈના સિધ્ધાંતોને અનુકૂળ નહોતી. મને સમજાયું કે આ મોટી ભૂલ કરી કે ફિલ્મ વ્હેલી સેન્સર કરાવી લીધી. કેમકે અંતિમ ને આખરી સુધારા-વધારા સાથેની સબ્ટાઈટલોવાળી પ્રિન્ટ ન હોવાને લીધે હવે ફિલ્મ-ફેસ્ટીવલ્સમાં મોકલીને એને વિતરણ સુધી દોરી જવાની પેલી સમાંતર દિશા પણ એથી ધૂંધળી થઈ ગઈ.
૨૦૦૯ની સાલ બાદ હું સંપૂર્ણ હતાશ હતો આ ફિલ્મના ભાવિ વિશે મન વાળી લઈ રહ્યો હતો કે દસકાની મહેનત એળે ગઈ. પણ ૨૦૦૯થી ૧૭ દરમ્યાનના વર્ષોમાં કિર્તી ખત્રી ઉપરાંત લાલ રાંભીયાના અથાગ પ્રયાસોને કારણે શેમારુવાળા બુધ્ધિચંદ મારુ અને વીસનજી મેમણીયાના અંગત ઈન્ટર્વેન્શનને પગલે એડ લેબમાંથી લેબમના વર્ષોના દેવા છતાં ફિલ્મની નેગેટીવ આખરે એડ લેબમાંથી શેમારુની ફિલ્મ લેબમાં અમે લાવી શકયા. દરમ્યાન અદાણી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રી પણ મદદે આવી. આશાનું નવું કિરણ ફૂટયું.
કલર-કરેકટેડ પ્રીન્ટ દોઢ દસકા પછી મેં જોઈ. શેમારુએ એમના એડીટીંગ સ્ટુડીયોમાં સબ્ટાઈટલ પ્રીન્ટ તૈયાર કરવાની વ્યવસ્થા કરી આપી. મેં ફરી મુંબઈ જઈ એ આખી પ્રક્રિયા શેમારુના એડીટરોની મદદથી પુરી કરી.
ત્યારબાદ ફરી ઉત્સાહભેર સોશીયલ મીડિયા ઉપર ફિલ્મનું પ્રમોશન શ‚ કર્યું. રુપમ એન્ટરટેઈન્મેન્ટના વંદન શાહે ફિલ્મને રીલીઝ કરવા માટે રીલીઝ પાર્ટનર તરીકે જોડાવામાં રસ દાખવ્યો. મારા એડીટર મિત્ર જયેશ ડેલીવાલા એમના ઈન્દુ પ્રોડકશન્સના ઈન્ફ્રાસ્કટ્રચર સાથે મદદે આવ્યા. ચેતન ચૌહાણ તેમના પ્રમોશન્સ રીડીફાઈન્ડ વડે સહયોગમાં જોડાયા. એ પછી કિર્તીભાઈ અને હું ફરી કટીબધ્ધ બન્યા કે હવે તો ફિલ્મ રીલીઝ કરીશું જ. એમણે મારી સંસ્થા કલાપક્ષ વડે અને રીલીઝ કરવા માટે મને હક્કો આપ્યા. એ પછી જયંત ખત્રી ફિલ્મ્સ ફાઉન્ડેશન પાસે બચેલી સીલ્લકમાં મારા પરિવારના સહયોગથી રીલીઝ માટેનું ફાઈનાન્સ જોડી પચ્ચીસ લાખ ઊભા કર્યાં.
ગુજરાતમાં ચાળીસ થીયેટર્સ ભાડે રાખી મુંબઈની ત્રણ રીલીઝ એજન્સીઝ-યુએફઓ, સ્ક્રેબલ તથા કયૂબ સાથે કરારો કરી સ્થાનિક એજન્સીઝ સાથે પબ્લીસીટીની વ્યવસ્થા ગોઠવી અને ફિલ્મ આખરે પાંચ જાન્યુઆરી ૨૦૧૮ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં ને બાર કે ઓગણીસ જાન્યુઆરીએ મુંબઈમાં તથા ત્યારપછીના મહિનાઓમાં ચેન્નાઈ, બેંગ્લોર, પુના, કોલકત્તા વગેરે ‘જયાં જયાં વસે ગુજરાતી’ ત્યાં ફિલ્મને રીલીઝ કરવા માટેનો એક વ્યાપક પ્લાન તૈયાર થઈ શકયો. સંભવત: ત્યારબાદ યુકે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની રીલીઝ માટે પણ વંદન શાહ અને ટીમ ધાડના સભ્યો આશાવંત છે.