પિંગલેશ્વર બાદ જખૌમાં સ્થાનિક શખ્સોની મદદથી હેરોઇન ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ
કરાચીની અલમદીના બોટમાં ૬૦૦ કરોડના હેરોઇન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાની શખ્સોની નાર્કોટીક કંટ્રોલ બ્યુરો સહિતના અધિકારીઓ દ્વારા પૂછપરછ
કચ્છના જખૌ નજીકના દરિયા કિનારાને ડ્રગ્સ માફિયાઓએ નવું લેન્ડીગ પોઇન્ટ શોધી કાઢયું હોય તેમ તાજેતરમાં જ પિંગલેશ્વર ખાતેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ જખૌના દરિયામાં આવેલી પાકિસ્તાનની બોટમાં ૬૦૦ કરોડના હેરોઇન સાથે છ પાકિસ્તાની શખ્સોને કોસ્ટગાર્ડ અને ડીઆરઆઇની ટીમે ઝડપી લીધા બાદ ઝડપાયેલા પાકિસ્તાની શખ્સોની પૂછપરછમાં નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે.
કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે દિવસ પહેલાં પાકિસ્તાની બોટ સાથે બે શખ્સોને ઝડપી લીધા ત્યારે ૧૧ જેટલા શખ્સો ભાગી જવામાં સફળ બન્યા હોવાથી ભાગી છુટેલા પાકિસ્તાની શખ્સોની કોસ્ટગાર્ડ અને ડીઆરઆઇ સહિતની એજન્સી દ્વારા દરિયામાં શોધખોળ હાથધરવામાં આવી હતી. બીજી તરફ બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીને સર્તક બનાવવામાં આવી હતી.
જખૌના દરિયામાં વિદેશી બોટ શંકા સ્પદ જણાતા કોસ્ટગાર્ડના જવાનો પોતાની બોટ સાથે દરિયામાં વિદેશી બોટ તરફ જતા વિદેશી બોટ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બોટમાં રહેલા પેકેટ દરિયામાં ફેકી દેવાનું શરૂ કરતા કોસ્ટગાર્ડના જવાનોની શંકા વધુ દ્રઢ બની હતી અને ઓખા કોસ્ટગાર્ડ અને હવાઇ જહાજને આ અંગેની જાણ કરી વિદેશી બોટને ઘેરી નજીક પહોચ્યા ત્યારે બોટ કરાચીની અલમદીના હોવાનું અને છ જેટલા મચ્છીમારો ડ્રગ્સ સાથે આવ્યાનું બહાર આવ્યું હતું. પાકિસ્તાની મચ્છીમારોએ દરિયામાં ફેંકી દીધેલા પેકેટ પણ કબ્જે કરી એફએસએલની મદદથી તપાસ કરતા આંતરરાષ્ટ્રીય બજાર મુજબ રૂ.૬૦૦ કરોડની કિંમતનું હેરોઇન હોવાનું બહાર આવ્યું છે.
જખૌના દરિયામાંથી ટૂંક સમયમાં જ ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ડ્રગ્સ માફિયાઓએ માટે ડ્રગ્સ લેન્ડીગ માટેનું એપી સેન્ટર બન્યું હોવાના ઇન્પુટ મળતા ઝડપાયેલા પાકિસ્તાની શખ્સોની પૂછપરછમાં નાર્કોટીંકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ સહિતના અધિકારીઓ કચ્છ દોડી આવ્યા છે અને ટૂંક સમયમાં ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાસ થાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.